રાજકોટના રાજવી પરિવાર વચ્ચે જમીન ફાળવણીના વિવાદમાં સરકારે ઝુકાવ્યું, ફાળવેલી 365 એકર જમીન પરત લેવા કેસ કર્યો
રાજકોટના રાજવી પરિવારમાં જમીન અને વારસાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જે વિવાદ પૈકીનો એક વિવાદ એએલસીની જમીનનો પણ છે. આ વિવાદમાં રાજવી પરિવારના વારસદારો પૈકી રણશૂરવીરસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા અને માંધાતાસિંહ મનોહરસિંહ જાડેજા વચ્ચે છ વર્ષ પહેલા 365 એકર જમીન ફાળવાઈ હતી. જમીનની ફાળવણીમાં વિવાદ થતા મામલો પ્રાંત અધિકારીની કોર્ટમાં આવ્યો હતો. આ મામલે હજુ સુનાવણી થઈ ત્યારે જ સરકાર પણ પક્ષકાર તરીકે જોડાઈ હતી અને તમામ જમીન પરત લેવા કેસ રિમાન્ડ કર્યો હતો જેની સુનાવણી આગામી દિવસોમાં થશે.
જમીનને લઈને વિવાદ
કૃષિ પંચના મામલતદારે રાજવી પરિવારને એએલસીના કેસમાં 2015માં 365 એકર જમીન ફાળવી હતી અને બાકીની ફાજલ જાહેર કરી હતી. 365 એકર જમીન ફાળવાતા રાજવી પરિવારમાં આ જમીનનો ભાગ પાડવાનો હતો તે પૈકી અનિરૂધ્ધસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજાના વારસદારોને 5 એકર અપાઈ હતી. આ માટે જણાવ્યું હતું કે, અનિરૂદ્ધસિંહને અગાઉ ભાગમાં એટલી જગ્યા મળી ગઇ છે તેથી 5 એકર આપવા પાત્ર છે. જેને લઇને અનિરૂદ્ધસિંહના વારસદાર રણશૂરવીરસિંહે દાવો દાખલ કર્યો હતો કે, 5 એકર નહીં તેમને પૂરેપૂરા 120 એકરનું યુનિટ મળવાપાત્ર છે.
સરકારી તંત્ર જ વાદી બન્યું છે અને જમીન પરત લેવા કાર્યવાહી શરૂ કરી
આ દાવો મામલતદાર સમક્ષ નાખ્યા બાદ તત્કાલીન કલેક્ટરે મામલતદારે ફાળવેલી જમીન જ યોગ્ય ન હોવાનું કહીને અપીલમાં જવા સૂચના આપી હતી. આ અપીલ મુજબ તત્કાલિન મામલતદાર જાડેજાએ જે 365 એકર જમીન ફાળવી છે તે યોગ્ય ન હોવાથી ફાળવણી રદ કરીને તમામ જમીન સરકારને પરત આપવાની થાય છે તેવો દાવો કરાયો હતો. જેથી અત્યાર સુધી સામસામે રહેલા પરિવારજનના તમામ સભ્યોને પ્રતિવાદી બતાવી સરકારી તંત્ર જ વાદી બન્યું છે અને જમીન પરત લેવા કાર્યવાહી શરૂ કરી છે.
અધિકારીએ રેકર્ડનો અભ્યાસ શરૂ કર્યો
જોકે અપીલ બાદ કોઇ સુનાવણી થઈ ન હતી. છ વર્ષ સુધી એક પણ સુનાવણી ન થતાં રણશૂરવીરસિંહે આ મામલે જાહેરમાં તત્કાલીન મામલતદાર જાડેજા અને વર્તમાન અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. જેના આશરે એક વર્ષે આ કેસ પ્રાંત અધિકારી શહેરી-1ની કોર્ટમાં પ્રગતિ પર આવ્યો છે અને 23મીએ સુનાવણી રાખી છે. હાલ પ્રાંત અધિકારી કેસર ચૌધરીએ તમામ રેકર્ડ મંગાવી અભ્યાસ શરૂ કર્યો છે.