શહેર અને રાજ્યમાં ધો. ૧૦-૧૨ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે શરૂ
- પરીક્ષાના પહેલા દિવસે સ્કૂલ તરફથી આવનારા વિદ્યાર્થીઓને ફુલ અને સાકર આપી સન્માનિત કરવામાં આવ્યા
અમદાવાદ, 11 માર્ચ: આજે સોમવારે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની શરૂઆત થઈ છે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે પરીક્ષાના પહેલા જ દિવસે સ્કૂલ તરફથી આવનારા વિદ્યાર્થીઓને ફુલ અને સાકર આપી સન્માનિત કર્યા હતા અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા ખંડમાં ગયા હતા. આજથી ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરુ થઈ ચૂકી છે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં આજે ધો.10ના 84 ઝોનમાં 981 કેન્દ્રો પર 9,11,687 વિદ્યાર્થી ભાઈ-બહેનો જ્યારે ધો. 12માં 56 ઝોનમાં 653 કેન્દ્ર પર વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડની આ પરીક્ષા પૂર્ણ થયા બાદ માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજકેટની પરીક્ષા યોજાશે.
આજથી ધો.10 તેમજ ધો. 12ની સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થઈ છે. ત્યારે અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરીક્ષાને લઈને સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે સમગ્ર રાજ્યમાં ધો.10 ના કુલ 9,11,687 જ્યારે ધો. 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનાં કુલ 6,21,352 વિદ્યાર્થીઓ શાંતિમય માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે.
સાબરમતી જેલમાં કેદીઓ પણ આ બોર્ડની પરીક્ષા આપશે!
ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષાને લઈ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આજે સોમવારે અમદાવાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 610 શાળાઓમાં કુલ 1,79,182 વિદ્યાર્થીઓ શાંતિમય માહોલમાં પરીક્ષા યોજાશે તેમજ સાબરમતી જેલમાં ધો. 10 ના 27 અને ધો. 12 ના 28 કેદીઓ પરીક્ષા આપશે. તેમજ દિવ્યાંગ બાળકો માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પરીક્ષામાં ગેરરીતી કરનાર સામે થશે કાર્યવાહી
પરીક્ષામાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત જાહેર કર્યાથી ૩ વર્ષ કરતાં ઓછી ન હોય અને ૫ વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા ૨,૦૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું.
આ પણ જુઓ: ગુજરાતમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા શરૂ, વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહેવા સૂચના