ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

રાહદારીઓને હડફેટે લેતી ગાય મામલે ક્યાં નગરસેવક અને ડે. કમિશ્નર આવ્યા સામસામે ?

Text To Speech
ગુજરાતભરમાં રસ્તે રઝળપાટ કરતા ઢોર દ્વારા રાહદારીઓને હડફેટે લઈ તેમના જીવ જોખમમાં મુકવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. દર વખતે થોડા દિવસો રાજકારણ ગરમાય છે અને પછી બધું ઘીના ઠામમાં ઘી પડી શાંત પડી જાય છે. ત્યારે જામનગર શહેરના વાણિયાવાડ વિસ્તારમાં રસ્તે રઝળતી એક ગાયે રાહદારી વૃદ્ધને ઢીંકે ચડાવી મોત નિપજાવતા શહેરીજનોમાં રોષ ફેલાયો છે. વૃદ્ધને અડફેટે લઈ મોત નિપજાવનાર ગાય હડકાઈ હોવાનો મનપાના ડેપ્યુટી કમિશનરે દાવો કર્યો હતો. પરંતુ, ભાજપના કોર્પોરેટરે ગાયના આરોગ્યની ચકાસણી કરાવી સ્વસ્થ હોવાનો દાવો કર્યો હતો.
કોર્પોરેટર દ્વારા ડેપ્યુટી કમિશનર અંગે મુખ્યમંત્રીને કરાઈ ફરિયાદ
જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં રહેતા ભરતભાઇ જેઠાલાલ બોસમિયાને ઘર નજીક જ રખડતા ઢોરે ઢીંકે ચડાવ્યા હતા. તેમને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવાય એ પૂર્વે જ મોત થયું હતું. વૃદ્ધનો ભોગ લીધા બાદ મનપા તંત્ર પર માછલા ધોવાતા ડેપ્યુટી કમિશનર એ.કે.વસ્તાણીએ વૃદ્ધ પર હુમલો કરનાર ગાય હડકાઈ હોવાનો દાવો કર્યો હતો. જો કે, આ વિસ્તારના ભાજપના કોર્પોરેટર નિલેશ કગથરાએ ડેપ્યુટી કમિશનરના દાવાની પોલ ખોલી નાખી હતી. વૃદ્ધનો ભોગ લેનાર ગાયને હાલ મહાનગરપાલિકાના બેડેશ્વર સ્થિત ઢોરના ડબ્બામાં રાખવામાં આવી છે. ત્યારે નિલેશ કગથરાએ પશુ ચિકિત્સકને સાથે રાખી ગાયના આરોગ્યની તપાસ કરાવી હતી. તપાસમાં ગાયને હડકવા ન થયો હોવાનો તબીબી અભિપ્રાય આવ્યો હતો. જેના કારણે ભાજપના કોર્પોરેટર નિલેશ કગથરા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ડેપ્યુટી કમિશનર એ.કે.વસ્તાણીને તાત્કાલીક અસરથી જામનગરથી દૂર કરવાની માગ કરવામાં આવી છે.
Back to top button