ભારતીય મહિલા ક્રિકેટ ટીમ રવિવારે હેંગઝોઉ એશિયન ગેમ્સમાં બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેની નજર ભારત માટે મેડલ સુનિશ્ચિત કરવા પર હશે. ફાઈનલમાં પહોંચનારી ટીમ માટે ઓછામાં ઓછું સિલ્વર નિશ્ચિત રહેશે. આ સાથે જ સેમિફાઇનલમાં હારી ગયેલી બંને ટીમો વચ્ચે બ્રોન્ઝ મેડલ માટે જંગ ખેલાશે. મહિલા ક્રિકેટની બંને સેમિફાઇનલ મેચ રવિવારે જ રમાશે. પ્રથમ મેચમાં સ્મૃતિ મંધાનાની ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશના પડકારનો સામનો કરવો પડશે જ્યારે બીજી મેચમાં પાકિસ્તાન શ્રીલંકાના પડકારનો સામનો કરશે. ભારત-બાંગ્લાદેશ મેચ સવારે 6:30 વાગ્યે શરૂ થશે, જ્યારે બીજી મેચ બપોરે 12:30 વાગ્યે રમાશે.
કેપ્ટન હરમનપ્રીત કૌર વિના ટીમ મેદાનમાં ઉતરશે
મલેશિયા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચની જેમ ભારતીય ટીમ આ ટી-20 મેચમાં પણ નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌર વિના મેદાનમાં ઉતરશે. બાંગ્લાદેશ શ્રેણી દરમિયાન ખરાબ વર્તન બદલ ICC દ્વારા તેના પર બે મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમની ગેરહાજરીમાં સ્મૃતિ મંધાના ટીમની કમાન સંભાળશે. ભારતીય ટીમ એશિયાડમાં સર્વોચ્ચ ક્રમાંક ધરાવતી ટીમ છે. તેને ગોલ્ડ મેડલ જીતવા માટે માત્ર બે જીતની જરૂર છે. બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન હરમનપ્રીતને લઈને થયેલા વિવાદને લઈને બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ શકે છે.
16 વખત ટક્કરમાં ભારતના 13 વિજય
જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે તો હરમનપ્રીતને ટાઈટલ મેચ રમવાની તક મળશે. એશિયન ગેમ્સની ક્રિકેટ મેચો હાંગઝોઉની ઝેજિયાંગ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના પિંગફેંગ ક્રિકેટ ફિલ્ડમાં રમાઈ રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના આંકડાની વાત કરીએ તો T20 ફોર્મેટમાં બંને ટીમો અત્યાર સુધીમાં 16 વખત ટકરાયા છે. તેમાંથી ભારતે 13 મેચ જીતી છે અને બાંગ્લાદેશે ત્રણ મેચ જીતી છે. બંને ટીમો આ વર્ષે ત્રણ T20 મેચોમાં સામસામે આવી છે અને તેમાંથી ભારતે બે અને બાંગ્લાદેશે એક મેચ જીતી છે.
બંને ટીમોના સંભવિત પ્લેઈંગ-11
ભારત : સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), કનિકા આહુજા, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, મિનુ મણિ, રાજેશ્વરી ગાયકવાડ.
બાંગ્લાદેશ : શોભના મોસ્ત્રી, શમીમા સુલતાના, શાથી રાની, નિગાર સુલતાના (કેપ્ટન અને wk), રિતુ મોની, શોર્ના અખ્તર, નાહિદા અખ્તર, રાબેયા ખાન, સુલતાના ખાતૂન, ફાહિમા ખાતૂન, મારુફા અખ્તર.