જ્યારે પણ ચૂંટણી આવે છે, ત્યારે કમિશન એક એવી રકમ નક્કી કરે છે કે ઉમેદવારો આનાથી વધુ ખર્ચ કરી શકે નહીં. પરંતુ ચૂંટણી સમયે ભાગ્યે જ કોઈ માર્ગદર્શિકાનું પાલન કરતું હશે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે ડિસેમ્બર 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યોએ ચૂંટણી પ્રચાર પર સરેરાશ 27.10 લાખ રૂપિયા એટલે કે ખર્ચ મર્યાદાના 68 ટકા ખર્ચ કર્યા છે. લોક પ્રતિનિધિત્વ કાયદા હેઠળ, જીતેલા ઉમેદવારોએ પરિણામના 30 દિવસની અંદર ચૂંટણી ખર્ચનું નિવેદન નોંધાવવું જરૂરી છે. ગુજરાત ચૂંટણીના કિસ્સામાં, અંતિમ તારીખ 8 જાન્યુઆરી, 2023 હતી. ADR દ્વારા આ સોગંદનામાનું વિશ્લેષણ દર્શાવે છે કે શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) ના 156 ધારાસભ્યોએ સરેરાશ 27.94 લાખ રૂપિયા ખર્ચ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના 17 ધારાસભ્યોએ સરેરાશ 24.92 લાખ રૂપિયા ખર્ચ્યા છે જ્યારે AAPના પાંચ ધારાસભ્યોએ 15.63 લાખ રૂપિયા ખર્ચ્યા છે.
આ પણ વાંચો : ધો. 9 થી 12 ના 25000 વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ શિષ્યવૃત્તિ અપાશે
વ્યક્તિગત રીતે, ભાજપના તાપીના ધારાસભ્ય જયરામ ગામિતે સૌથી વધુ રૂ. 38 લાખનો ખર્ચ જાહેર કર્યો હતો, ત્યારબાદ લક્ષ્મણજી ઠાકોર (ગાંધીનગર) અને કિરીટ ડાભી (અમદાવાદ)એ અનુક્રમે રૂ. 37.78 લાખ અને રૂ. 36 લાખનો ચૂંટણી ખર્ચ જાહેર કર્યો હતો. સમાજવાદી પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાએ સૌથી ઓછી રકમ રૂ. 6.87 લાખ ખર્ચી હતી, ત્યારબાદ કોંગ્રેસના અમિત ચાવડા અને AAPના ઉમેશ મકવાણાએ અનુક્રમે રૂ. 9.28 લાખ અને રૂ. 9.64 લાખ ખર્ચ્યા હતા. જાહેરાતો, જાહેર સભાઓ અને સ્ટાર પ્રચારકો, પ્રચાર વાહનો અને કાર્યકરોના સરઘસો જેવી ખર્ચની સામાન્ય વસ્તુઓ સિવાય, 20 ધારાસભ્યોએ એવું પણ કહ્યું કે તેઓએ વર્ચ્યુઅલ પ્રચાર પર પણ નાણાં ખર્ચ્યા છે. કુલ 40 ધારાસભ્યોએ ચૂંટણીના નિયમો હેઠળ પ્રિન્ટ મીડિયામાં તેમની સામે પેન્ડિંગ ફોજદારી કેસ જાહેર કરવામાં ખર્ચ કર્યો હતો.