E-Fir મામલે ગુજરાતનું આ શહેર અવ્વલ, એકજ મહિનામાં સૌથી ફરિયાદ અહીં નોંધાય


રાજ્યમાં ગુનાહિત પ્રવૃતિ પર નજર રહે તે હેતુ સાથે શરૂ કરવામાં આવેલી E-Fir ને સમગ્ર રાજ્યમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત ગુજરાત રાજયમાં વાહન અને મોબાઇલ ચોરીના ગુનામાં શરૂ કરવામાં આવેલી E-Fir અંતર્ગત એક મહિનામાં 426 E-Fir નોંધાય છે. જે પૈકી 33 ટકા E-Firની ફરિયાદ નોંધવામાં આવી છે.
ડિજીટલ ઇન્ડિયાના ભાગ રૂપે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા ગત 23 જુલાઇના રોજ E-Firની સુવિધા શરૂ કરવામાં આવી હતી. આઇપીસી 379 હેઠળ એટલે કે મોબાઇલ કે વાહન ચોરીના ગુનામાં સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પર જાતે જ ફરીયાદ નોંધાવાની હોય છે. ત્યાર બાદ આ E-Fir ની જે તે પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારી દ્વારા 48 કલાકમાં ફરીયાદીનો સંર્પક કરી પ્રાથમિક તપાસનો અહેવાલ તૈયાર કરવાનો હોય છે. ત્યાર બાદ તેના આધારે ઇ-ગુજકોપમાં એફઆઇઆર દાખલ કરવામાં આવે છે.

આ સંજોગોમાં E-Firની શરૂઆત કર્યાના અત્યાર સુધીના એક મહિનામાં કુલ 426 E-Fir નોંધાય છે. સુરત પોલીસ દ્વારા E-Fir અંગે હાથ ધરવામાં આવેલી જાગૃતિ અભિયાનનો શહેરીજનોએ મહત્તમ લાભ લીધો છે અને પોલીસે તપાસ અહેવાલને ધ્યાને લઇ 33 ટકા કિસ્સામાં ફરીયાદ નોંધી છે. જયારે અન્ય કિસ્સામાં મોબાઇલ કે વાહનનો ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ નહીં થાય તે હેતુથી માત્ર E-Fir નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજયના અન્ય શહેરોની સરખામણીમાં મહત્તમ ફરીયાદ સુરતમાં નોંધાય છે. જયારે અન્ય શહેર-જિલ્લામાં માંડ હજી 100 થી વધુ ફરીયાદ જ નોંધાય છે.
આ પણ વાંચો : 90ના દશકની મહિલા બુટલેગર કેવી રીતે બની ડ્રગ્સ ડીલર ?