સુશાંત સિંહ રાજપૂત મોત કેસ: આંખો પર હતા ઈજાના નિશાન, મોર્ચ્યુરી સર્વન્ટનો દાવો
બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતનો મામલો ફરી એકવાર ગરમાયો છે. કૂપર હોસ્પિટલના મોર્ચ્યુરી સર્વન્ટ રૂપકુમાર શાહે સુશાંત કેસને લઈને મોટો દાવો કર્યો છે. તેના દાવાએ બધાને હચમચાવી દીધા છે. આ નવી માહિતી સામે આવ્યા બાદ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે CBIએ આ મામલે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.
રૂપકુમારે દાવો કર્યો છે કે ‘સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા નથી કરી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે…’ આટલું બોલતાની સાથે જ સનસનાટી મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ કેસની ફરીથી તપાસ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સુશાંતના મૃત્યુ અંગે લોકો અલગ-અલગ અનુમાન લગાવી રહ્યા છે.
મોર્ચ્યુરી સર્વન્ટ રૂપકુમાર શાહનો દાવો
કૂપર હોસ્પિટલના મોર્ચ્યુરી સર્વન્ટ રૂપકુમાર શાહે કહ્યું હતું કે ‘સુશાંતના શરીર પર મળેલા ઈજાના નિશાન સામાન્ય રીતે આત્મહત્યાના શરીર પર જોવા મળતાં નથી. તેની આંખ પર મુક્કો વાગ્યો હતો. તેને ઈજાઓ થઈ હતી અને તેના હાડકાં પણ તૂટી ગયા હતા. ત્યારબાદ મેં મારા ઉપરી અધિકારીઓને જાણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ સાંભળ્યું નહીં અને મને મારા પોતાના કામમાં ધ્યાન રાખવાનું કહ્યું.”
બહેન શ્વેતા સિંહ કીર્તિએ અપીલ કરી હતી
શ્વેતા સિંહ કીર્તિએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે કે જો આમાં કોઈ પણ વાત સાચી હશે તો અમે CBIને અપીલ કરીશું કે તે ખૂબ જ કાળજીપૂર્વક તપાસ કરે. અમે હંમેશા માનીએ છીએ કે તમે લોકો નિષ્પક્ષ તપાસ કરશો અને જે સાચુ હશે તેને અમારી સામે લાવશો. અમને દુઃખ છે કે આજ સુધી આ મામલે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.