સુરતમાં પત્ની અને પુત્રને ઝેરી દવા પીવડાવી પતિએ ગળાફાંસો ખાધો, પોલીસને ચિઠ્ઠી મળી
સુરત, 8 માર્ચ 2024, શહેરમાં આજે બે ગોઝારી ઘટનાઓ બની છે. પહેલી ઘટનામાં કોર્પોરેટરના ઘરમાં રાત્રે આગ લાગતાં 17 વર્ષના પુત્રનું મૃત્યુ થયું છે. જ્યારે બીજા બનાવમાં એક જ પરિવારના ત્રણ લોકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. લિંબાયત વિસ્તારમાં પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
પતિએ પત્ની અને દીકરાને ઝેર આપી ફાંસો ખાધો
આ ઘટના અંગે DCP પિનાકિન પરમારે મીડિયાને જણાવ્યું હતું કે, લીંબાયતમાં આવેલા રૂસ્તમ પાર્ક વિસ્તારમાં પ્લોટ નંબર A-56માં એક પરિવારના 3 સભ્યોએ આપઘાત કર્યો છે. પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી તપાસ કરતા ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. જેમાં 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતી જીલા, તેની પત્ની નિર્મલ અને તેના 7 વર્ષના દીકરા દેવઋષિનો સમાવેશ થાય છે.પ્રાથમિક તપાસમાં સોમેશે કોઈ કારણોસર દીકરા અને પત્નીની હત્યા કર્યા બાદ તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
પોલીસને એક ચિઠ્ઠી અને મોબાઈલ મળ્યો
DCP પિનાકિન પરમારે વધુમાં કહ્યું હતું કે, ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી અને તેમનો મોબાઇલ પણ મળી આવ્યો છે. જેમાં આપઘાત પહેલા તેમણે થોડાક વીડિયો પણ બનાવેલા છે. મોબાઈલમાંથી મળી આવેલા વીડિયો તેમણે તેમની માતૃભાષા તેલુગુમાં બનાવ્યા છે. જેથી તે પણ તપાસનો વિષય છે.મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. સામુહિક આપઘાતના કેસમાં પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃસુરતમાં AAP કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં આગ લાગતા 17 વર્ષના પુત્રનું મૃત્યુ