ગુજરાત

ટ્રિપલ સવારી બાઇક ચાલકે ટ્રાફિક-પોલીસને જોતાં જ બાઈક BRTS રૂટમાં ઘુસાડ્યું, બસની અડફેટે આવતાં એકનું મોત

Text To Speech

સુરતઃ શહેરમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે BRTS બસની ટક્કરથી વધુ એક યુવાન મોતને ભેટ્યો છે. રજા હોવાથી 3 મિત્રો બાઈક પર ફરવા નીકળ્યા હતા. તેમણે શહેરના વેસુ વિસ્તારમાં રોડ પર ટ્રાફિક-પોલીસ હોવાથી બાઈક બીઆરટીએસ રૂટમાં ઘુસાડી દીધું હતું. આ દરમિયાન પાછળથી આવતી બીઆરટીએસ બસે બાઈકને અડફેટે લેતાં બાઈક ફંગોળાયું હતું. ત્યાર બાદ ટૂંકી સારવાર બાદ એક યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતને લઈને બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રજા હોવાથી મિત્રો સાથે ફરવા નિક્ળો હતો ફરીદ શેખ

ગત રોજ રવિવારની રજા હોવાને કારણે ફરીદ બે મિત્ર સાથે બાઈક પર ફરવા નીકળ્યો હતો. દરમિયાન તેઓ અરુણવ્રત દ્વાર પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પર ટ્રાફિક-પોલીસ હોવાથી બાઈક બીઆરટીએસ રૂટમાં બાઈક ઘુસાડી દીધી હતી. દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી બીઆરટીએસ બસે અડફેટે લેતાં ત્રણેય મિત્રોને ગંભીર ઇજા પહોંચી હતી.

ટૂંકી સારવાર દરમિયાન ફરીદનું મોત નીપજ્યું

અકસ્માત થતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ફરીદનું મોત નીપજ્યું હતું, જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ હતો, જ્યારે અન્ય બે યુવકની સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો: અંકલેશ્વરની કેમિકલ કંપનીમાં ભીષણ આગ,સલ્ફ્યુરિક એસિડના ડ્રમમાં બ્લાસ્ટ થતા દોડધામ

Back to top button