સુરતમાં 16મા વોર્ડના ભાજપ પ્રમુખે જ દારૂબંધીના ધજાગરા ઉડાવ્યાં, દારૂ પીતો વીડિયો વાઇરલ


સુરતઃ હાલ રાજ્યમાં લઠ્ઠાકાંડ મુદ્દે રાજકારણ ગરમાયું છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 16ના પુણા (પશ્ચિમ)ના ભાજપ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને વોર્ડ નંબર 16ના બક્ષીપંચ મોરચાના મહામંત્રી શાંતિલાલ સુતરિયાની દારૂની મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
સુરતમાં દારૂબંધીના ધજાગરા – વોર્ડ નં 16ના ભાજપ પ્રમુખનો દારૂ પીતો વીડિયો વાઇરલ#Surat #Viral #ViralVideos #bjp #ban #alcohol #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/bWiWcAByPz
— Hum Dekhenge News (@humdekhengenews) July 30, 2022
વીડિયોમાં જોઈ શકાય છે કે, દારૂના ગ્લાસ ભરેલા છે અને કોઈ શખસ વીડિયો ઉતારી રહ્યું છે. કોઈ ઓફિસ જેવી જગ્યામાં આ મહેફિલ ચાલી રહી છે. ત્યારે કોઈએ તેમનો દારૂ પીતો વીડિયો ઉતારી લીધો હતો.
આ ઉપરાંત બંને દારૂના ગ્લાસ પકડી ચર્ચા કરતા વીડિયોમાં સ્પષ્ટ નજરે પડી રહ્યા છે. મહેફિલમાં અન્ય એક કે બે વ્યક્તિ પણ હોવાનું પણ જણાઈ રહ્યું છે. વીડિયો મામલે ઠુમ્મરને પૂછવામાં આવતા કહ્યું કે, ‘વીડિયો મને મળ્યો નથી, તમે મોકલો તો જોઈને કહું.’
ત્યારબાદ વીડિયો જોઈ કહ્યું કે, ‘હા, હું દેખાઉં તો છું વીડિયોમાં’, કઈ જગ્યાએ મહેફિલ ચાલતી હતી અને અન્ય કેટલા લોકો મહેફિલમાં હતા એ બાબત પૂછતાં કશો ફોડ પાડ્યો ન હતો. વીડિયોમાં‘ અભી ઝિંદા હું તો જી લેને દે, ભરી બરસાત મેં જી લેને દે’ સોંગ પણ વાગી રહ્યું હતું.