સુરતમાં મેનેજર મહિલા કર્મચારી સાથે મળી 40 લાખના હીરા લઈ પલાયન
સુરત, 16 ઓગસ્ટ 2024, શહેરમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં હીરાના ખાતામાં મેનેજર તરીકે નોકરી કરતા યુવકે તેની મહિલા સહ કર્મચારી સાથે મળી ખાતામાંથી રૂપિયા 40 લાખની કિંમતના કુલ 7000 હીરા પચાવી પાડી તેની જગ્યા પર ડુબલીકેટ હીરા મૂકી બંને ફરાર થઈ ગયા હતા. બાદમાં હીરાના વેપારીને આ મામલે જાણ થતા તેઓએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મેનેજર અને મહિલા કર્મચારી કામ કરતા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા નવનીતભાઈ નરસિંહભાઈ ગોળકીયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ડભોલીમાં કેશવપાર્ક સોસાયટીની સામે આવેલ ખાતામાં હેપ્પી જેમ્સ નામથી હીરાનું ખાતું ધરાવે છે. તેમને ત્યાં સુરેશ વલ્લભભાઈ કાકલોતર મેનેજર તરીકે નોકરી કરતો હતો. આ ઉપરાંત તેના જ ખાતામાં અમરોલી કોસાડ રોડ પર રહેતી જયોત્સના રાકેશભાઈ ફિક્સિગનું કામ કરતા હતા.
40 લાખથી વધુની છેતરપિંડીનો ગુનો દાખલ
ડિસેમ્બર 2023થી તારીખ 4 મે, 2024ના સમયગાળા દરમિયાન અલગ-અલગ સમયે સુરેશ અને જયોત્સના એકબીજાનો સાથ સહકાર આપી અવારનવાર નવનીતભાઈની હીરાના ખાતામાંથી 80થી 85 કેરેટ વજનના કુલ 6500થી 7000 નંગ હીરા ફોરપી ઘાટના કંપનીના ટોપ કોલેટીના અસલ હીરા પચાવી પાડ્યા હતા. તેની જગ્યાએ બનાવટી ડુપ્લીકેટ હીરા મૂકી દઈ નવનીતભાઈ સાથે છેતરપિંડી કરી હતી. બાદમાં નવનીતભાઈને જાણ થતા તેઓએ આ મામલે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે રૂપિયા 40 લાખથી વધુની છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃસુરતમાં નકલી પોલીસે રેડ કરી 1.73 લાખનો તોડ કર્યો, શંકા જતાં જુગારીયાઓએ અસલી પોલીસ બોલાવી