સુરતમાં નકલી પોલીસે રેડ કરી 1.73 લાખનો તોડ કર્યો, શંકા જતાં જુગારીયાઓએ અસલી પોલીસ બોલાવી

સુરત, 15 ઓગસ્ટ 2024 શહેરમાં નકલી પોલીસની આખી ગેંગ ઝડપાઇ છે. પાંચ જેટલા શખસોએ પોલીસ બનીને એમ્બ્રોઇડરીના કારખાનામાં ચાલતા જુગારધામ પર રેડ કરી હતી. જુગારનો કેસ નહિ કરવા પેટે 1.73 લાખ રૂપિયા પડાવી લીધા હતા. રૂપિયા પડાવી લીધા બાદ પાંચેય આરોપી ફરાર થઇ ગયા હતા. જુગાર રમતા શખસોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં વરાછા પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી અન્ય બેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
અજાણ્યા શખસોએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી
મળતી માહિતી પ્રમાણે, વરાછાના મનસુખ મોહનભાઈ સવાણી પટેલ નગરમાં એમ્બ્રોડરીનું કારખાનું ધરાવે છે. ગત રવિવારના રોજ રજા હોવાથી સાત જેટલા મિત્રો મળીને ભજીયાની પાર્ટીનો પ્રોગ્રામ કર્યો હતો અને જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન ચાર જેટલા અજાણ્યા શખસો આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો. આ અજાણ્યા શખસોએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. પોલીસની ઓળખ આપનાર શખસોએ એ સમયે જે સ્થિતિમાં બેઠા છો તે સ્થિતિમાં જ બેસવા અને જુગાર રમો છો તો હવે જુગારનો કેસ થશે કહીને ધમકી આપી હતી. બળજબરી પૂર્વક તમામની પાસે રહેલા 1.73 લાખ રૂપિયા, મોબાઈલ ફોન અને બાઇકની ચાવીઓ લઈ એક થેલીમાં મૂકી દીધી હતી.
વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને ફરિયાદ નોંધાવી
આ ચાર પૈકી બે શખસ એક બાદ એક મિત્રોને વારાફરતી ઓફિસની બહાર લઈ જતા હતાં અને જુગારનો મોટો કેસ કરવાનો છે તમારે પતાવટ કરવી છે કે શું કરવું છે તેવુ પૂછતા હતા. દરમિયાન મનસુખએ દાવ ઉપરના રૂપિયામાંથી દસ હજાર રૂપિયા આપીશું તેમ કહ્યું હતું. જેથી આ રૂપિયા ભૂલી જાઓ અને તેના સિવાયના કેટલા રૂપિયા આપશો? તેમ કહીને ધમકી આપી હતી. ત્યારબાદ તેમને 1.73 લાખ રૂપિયા મળ્યા છે તે આપી દેવાની વાત કરી હતી. જેથી અજાણ્યા શખસે રૂપિયા લઇ લીધા હતા અને મોબાઈલ, બાઈકની ચાવી પરત આપી દીધી હતી. અજાણ્યા શખસો જતા રહ્યા બાદ તમામ મિત્રોને શંકા ગઈ હતી.જેથી વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે નકલી પોલીસ બની રૂપિયા પડાવનારને ઝડપી લીધા
આ મામલે એસીપી પી.કે.પટેલે જણાવ્યું હતું કે, વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ અલગ-અલગ ટીમો બનાવી અને સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. ત્યારબાદ બાતમી આધારે પોલીસે નકલી પોલીસ બની રૂપિયા પડાવનાર મહેશ ડાંગર, લલિત ખીમજી ચૌહાણ, આકાશ વાઘેલાને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય બે શખસને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી મહેશ ડાંગર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેના સામે પુણા અને ભાવનગરમાં બે ગુના નોંધાયેલા છે. જ્યારે લલિત ચૌહાણ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અમરોલી, અડાજણ પોલીસમાં તેની સામે પણ ગુના નોંધાયેલા છે.
આ પણ વાંચોઃબીજુ કંઈ ના મળ્યું તો ટ્રાફિક સિગ્નલની 51 બેટરીઓ ચોરી, પોલીસે બે ચોરને ઝડપી પાડ્યા