સુરતમાં એક યુવક છરી બતાવીને લોકોને ધમકાવતો હતો, વીડિયો વાયરલ થતાં જ પોલીસે કરી ધરપકડ
- યુવક લોકોને છરી બતાવી આપતો હતો ધમકી
- સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પોલીસ આવી એક્શનમાં
- આરોપીની ધરપકડ કરી યુવક પાસે મંગાવી માફી
સુરત, 23 મે: સુરત શહેરમાં રાત્રે સોસાયટીના લોકોને છરી બતાવીને ધમકી આપતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોની નોંધ લેતા લિંબાયત પોલીસે આરોપી યુવકની શોધખોળ શરૂ કરી હતી અને તેની ધરપકડ કરી હતી. આ પછી પોલીસ આરોપીને તે જ વિસ્તારમાં લઈ ગઈ જ્યાં તેણે છરી બતાવી લોકોને ડરાવ્યા અને ધમકાવ્યા હતા. આ પછી આરોપીએ હાથ જોડીને લોકોની સામે માફી માંગી હતી.
વીડિયો જોઈ પોલીસ આવી એક્શનમાં
આ ઘટના લિંબાયત પોલીસ સ્ટેશન હેઠળના નીલગીરી વિસ્તારમાં બની હતી. સીસીટીવીમાં કેદ થયેલી તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ રાતના અંધારામાં કમરમાં રાખેલી છરી કાઢીને લોકોને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સુરતનું લિંબાયત પોલીસ એક્શનમાં આવી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરીને તે જ સોસાયટીમાં લઈ ગઈ
રાત્રીના અંઘારામાં છરી વડે ડરાવનાર યુવકની શોધખોળ કરી છરી સાથે જ શ્રીનાથ સોસાયટી વિભાગ 2માં રહેતા સમાધાન યશવંત બાગુલની ધરપકડ કરી હતી. સમાધાનની ધરપકડ કર્યા બાદ લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમ તેને તે જ વિસ્તારમાં લઈ ગઈ જ્યાં તેણે છરી કાઢીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી આરોપીએ હાથ જોડીને ત્યાં રહેતા લોકોની માફી માંગી. છરી બતાવીને લોકોને ડરાવવાનો પ્રયાસ કરનાર સમાધાન સામે લિંબાયત પોલીસ સ્ટેશને કલમ 135 હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.
વાયરલ થયેલો વીડિયો ત્રણ-ચાર દિવસ જૂનો હતો, આરોપી ઉપર કોઈ ગુનાહિતિ રેકોર્ડ ન મળ્યો
સુરત પોલીસના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિ છરી સાથે ફરતો જોવા મળ્યો હતો. જ્યારે આ વીડિયો પોલીસ પાસે આવ્યો તો પોલીસે આરોપીની શોધ શરૂ કરી હતી. આ વીડિયો ત્રણ-ચાર દિવસ પહેલાનો છે. તે રાત્રે શ્રીનાથ સોસાયટીમાં છરી લઈને લોકોને ધમકાવતો, ડરાવતો ફરતો હતો. વીડિયો પોલીસ સુધી પહોંચ્યા બાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે પોલીસે તેનો જૂનો ગુનાહિત રેકોર્ડ પણ તપાસ્યો છે. પરંતુ હજુ સુધી તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ પોલીસ સમક્ષ આવ્યો નથી. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે તે છરી લઈને જ ઘરની બહાર નીકળ્યો હતો. પરંતુ હજુ પણ આ પાછળ તેનો અન્ય કોઈ ઈરાદો હતો કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અમે લોકોને એમ પણ કહ્યું છે કે જો આવી કોઈ વ્યક્તિ છરી લઈને બહાર આવે તો તરત જ પોલીસને જાણ કરો.
આ પણ વાંચો: PAK માટે જાસૂસી કરતો આરોપી પોરબંદરથી ઝડપાયો, આ રીતે મોકલતો હતો માહિતી