ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અજાણ્યાના ઘરે જતા પહેલા ચેતજો : સુરતમાં LIC એજન્ટને યુવતીએ ઘરે બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યો

Text To Speech
  • સુરતનો હનીટ્રેપનો ચોંકાવનારો બનાવ
  • ઇન્સ્યોરન્સ એજન્ટને ઘરે બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યો
  • અજાણ્યા શખ્સોએ માર મારી 3 લાખની માંગણી કરી

છેલ્લા કેટલાક સમયથી હનીટ્રેપના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હનીટ્રેપનો વધુ એક કિસ્સો સુરતમાંથી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ઈન્સ્યોરન્સ એજન્ટ હનીટ્રેપનો શિકાર બન્યો હોવાનું સામે આવ્યું છે. જેથી ભોગ બનેલા યુવકે 6 શખ્સો વિરુદ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નકલી પોલીસે અચાનક રેડ પાડી
પ્રાપ્ત વિગતો અનુસાર,સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા LIC એજન્ટને અડાજણના શ્રીજી આર્કેડ સામે હાઉસિંગ સોસાયટીમાં દિલીપભાઈ નામના વ્યક્તિએ ઈન્શ્યોરન્સ કામ માટે પોતાના ઘરે બોલાવ્યા હતા. જ્યારે LIC એજન્ટ ઘરે પહોંચ્યો તો એક યુવતી તેની પાસે આવી અને કોઈ અજાણ્યા વ્યક્તિએ બહારથી ફ્લેટનો દરવાજો બંધ કરી લીધો. આની 5 મિનિટ બાદ 3-4 લોકો દરવાજો ખોલીને અંદર આવ્યા અને અડાજણ પોલીસ સ્ટેશનમાંથી આવ્યા હોવાનું જણાવ્યું.બાદમાં તમામે અહીં ખોટું કામ થતું હોવાનું કહીને એજન્ટને લાકડીથી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 3 લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે એજન્ટ પાસે આટલા રૂપિયા ન હોવાથી તેણે આપવાની ના પાડતા ફરી માર માર્યો.

75 હજાર રૂપિયામાં પતાવટ કરવાની વાત થઈ
જે બાદ યુવક સાથે અન્ય લોકોએ આખરે 75 હજાર રૂપિયામાં પતાવટ કરવાની વાત થઈ હતી. એજન્ટે નજીક ATMમાંથી 25000 ઉપાડીને આપ્યા અને બાદમાં એજન્ટના ઘરેથી વધુ 17000 રૂપિયા પડાવ્યા હતા અને વધુ પૈસાની માગણી કરી.જોકે એજન્ટને પોતાના મિત્રને ફોન કરીને બોલાવ્યો. મિત્ર આવતો હોવાની જાણ થતા જ હનીટ્રેપ કરનારી ટોળકી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.

યુવકે મિત્રને જાણ કરતા ટોળકી ફરાર
આરોપીઓ ત્યાંથી ફરાર થઈ જતા આ એક ટ્રેપ હોવાની જાણ થઈ હતી. જેથી ઘટના બાદ એજન્ટે 6 શખ્સો વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો : આણંદ : કલેક્ટરને હનીટ્રેપમાં ફસાવનાર કેતકી વ્યાસે 300 વિઘા કરતાં વધુ જમીન ખરીદી

Back to top button