ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતમાં 36 કલાકમાં 11 લોકોએ બીમારી અને આર્થિક સંકળામણથી જીવન ટૂંકાવ્યુ

સુરત, 11 જુલાઈ 2024, ગુજરાતમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યાં છે. ગઈકાલે અમદાવાદમાં એક પ્રોફેસરે તેની માતાને ઊંઘમાં જ રહેંસી નાંખીને જાતે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ત્યારે સુરતમાં પણ આપઘાતના બનાવો વધુ પ્રમાણમાં પ્રકાશમાં આવી રહ્યાં છે. છેલ્લા 36 કલાકમાં 11 જેટલા લોકોએ જીવનનો અંત આણ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.આ 11 વ્યક્તિમાંથી ત્રણમાં આર્થિક સંકડામણ અને બેમાં બીમારી જ્યારે કેટલાકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

અમરોલીમાં પરીણિતાએ ફાંસો ખાધો
નારાયણ પ્રધાન અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ શ્રીરામનગર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. નારાયણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ત્રણ મહિના પહેલાં નારાયણે ખીલેશ્વરી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. બુધવારે સાંજે 4 વાગ્યાના સુમારે ખીલેશ્વરી વતનમાં તેની માતા સાથે ફોન ઉપર વાત કરી હતી. ત્યારબાદ તેણે 5 વાગ્યાના સુમારે ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

રૂધરપુરામાં યુવકે એસિડ પીધુ
રુધરપુરામાં આવેલ ગાર્ડન કોલોનીમાં 30 વર્ષીય મેહુલ મહેન્દ્રભાઈ શિંધે બેકાર બેસી રહેતો હતો. બુધવારે બપોરે મેહુલ દારૂનો નશો કરીને ઘરે આવ્યો હતો અને તેની માતા પાસે વાપરવાના રૂપિયા માગ્યા હતા. પરતું તેની માતાએ રૂપિયા આપવાની ના પાડી દેતાં મેહુલને વાતનું માઠું લાગી આવ્યું હતું. જેથી તેણે દારૂના નશામાં એસિડ પીને આત્મહત્યા કરી લીધી હતી.

આર્થિક સંકડામણમાં યુવકે ઝેર પીને આત્મહત્યા કરી
સુજિત બિહારી મહંતો રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. છેલ્લા ત્રણેક મહિનાથી કામકાજ સારી રીતે ચાલતું ન હતું. જેથી આર્થિક સંકડામણમાં મંગળવારે સાંજે ઘરમાં ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી.

મોટા વરાછામાં માનસિક બીમારીથી કંટાળી આધેડે ઝેર પીધું
સુરેશભાઈ વલ્લભભાઈ તેજાણી નિવૃત્ત જીવન વ્યતીત કરતા હતા. છેલ્લાં દસેક વર્ષથી માનસિક બીમારીથી પીડિત હતા. જેથી કંટાળી તેઓએ મંગળવારે બપોરે ઘરમાં ઝેર પીને આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો.

લિંબાયતમાં બીમારીથી કંટાળી વૃદ્ધે ફાંસો ખાધો
કેશવનગરમાં 71 વર્ષીય શિવાજી ઓમકાર પાટીલ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શિવાજીને અલગ-અલગ બીમારીઓ હતી. જેથી કંટાળી બુધવારે સાંજે ઘરમાં લોખંડના હુક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ભેસ્તાનમાં યુવકે આપઘાત કર્યો
25 વર્ષીય રાહુલ જ્ઞાનપ્રસાદ ચૌહાણ કાપડ માર્કેટમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે સવારે રાહુલે તેના પિતરાઈ ભાઈને ફોન કરીને કહ્યું હતું કે, ‘મારા ઘરનું ધ્યાન રાખજો, મારું મન લાગતું નથી, ત્યારબાદ ઝેર પીને આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો.

લોનના હપતા ન ભરાતા કાપડ વેપારીનો આપઘાત
વેપારી રાજેન્દ્રસિંહ પેપસિંહ રાજપૂતે બુધવારે બપોરે ઝેરી ટીકડા ખાઇને આપઘાત કરી લીધો હતો. રાજેન્દ્રસિંહ રિંગ રોડ પર આવેલી આદર્શ-1 માર્કેટમાં શૂટની દુકાન ધરાવતા હતા. આપઘાત કરતાં પહેલાં બે પાનાંની સુસાઈડ નોટ લખી હતી.

રત્નકલાકારે આર્થિક સંકડામણમાં આત્મહત્યા કરી
મહેશ ધરમશીભાઈ મકવાણા હીરાનું કારખાનું ધરાવતો હતો. 6 જુલાઈના રોજ મહેશે વરાછા ધરમનગર રોડ ખાતે આવેલ શાંતિકુંજ ચોપાટી પાસે એસિડ પીને આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન બુધવારે બપોરે તેને મૃત જાહેર કરાયો હતો.

અગમ્ય કારણોસર ત્રણ વ્યક્તિએ જિંદગી ટૂંકાવી
પુણામાં આશિષ સોસાયટીમાં 25 વર્ષીય રહેતા કરણ ચૌહાણ, પુણાની સરગમ સોસાયટીમાં રહેતી દક્ષાબેન મહેશભાલ ગોધાણીએ અનાજમાં નાખવાનો પાઉડર પી અને ડિંડોલીના ભેસ્તાન આવાસમાં રહેતા 35 વર્ષીય મહીરુદ્દીન રસીદે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચોઃવડોદરાઃ નદીમાં માછલી પકડવા ગયેલા યુવકને 10 જેટલા મગરો ખેંચી ગયા

Back to top button