એજ્યુકેશનચૂંટણી 2022
સૌરાષ્ટ્ર યુનિ.માં સિન્ડિકેટ બેઠક પહેલા જ એકેડેમિક ઓફિસર બેભાન થઈ ગયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે શુક્રવારે સિન્ડિકેટ બેઠક યોજવામાં આવી હતી જો કે આ બેઠક ચાલુ થાય તે પહેલાં યુનિ. ના એકેડેમિક ઓફિસર બેભાન થઈ ગયા હતા જેના કારણે તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
અધિકારી પોતાની ચેમ્બરમાં બેભાન થઈ ગયા
મળતી માહિતી મુજબ, યુનિવર્સિટીમાં એકેડમિક ઓફિસર તરીકે ફરજ બજાવતા ચંદ્રેશ કાનાબાર પોતાની ચેમ્બરમાં હતા ત્યારે જ તેમને ચક્કર આવતા બેભાન થઇ ગયા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 11.30 વાગ્યે સિન્ડિકેટની બેઠક શરૂ થાય તે પહેલાં જ આ ઘટના બનતા સિન્ડિકેટ સભ્યો પણ અધિકારીની ચેમ્બરમાં દોડી ગયા હતા. પરંતુ કાનાબારની તબિયત અસ્વસ્થ જ જણાતા તેઓને તાબડતોબ કાર મારફત સદભાવના હોસ્પિટલમાં ICUમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ફેકલ્ટીના સદસ્યો ગેરહાજર રહેવાના મુદ્દે વડા દ્વારા ઠપકો અપાતા લાગી આવ્યુ
પ્રાપ્ત વિગત મુજબ અગાઉ સાયન્સ ફેકલ્ટીની બેઠક દરમિયાન ફેકલ્ટીના સદસ્યો ગેરહાજર રહેવાના મુદ્દે ફેકલ્ટી વડા દ્વારા તેઓને ઠપકો અપાતા તેઓને લાગી આવ્યુ હતું. આ સમયે પણ કાનાબારને હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા હતા. કાનાબાર પાસે હાલ યુનિ.નો મહત્વનો એકેડેમિક ઓફિસરનો ચાર્જ છે. જેનાં પગલે તેઓ ઉપર કામનું ભારણ સતત વધી રહ્યું હોય અને કહેવાય છે કે, તેઓને માનસિક ત્રાસ અપાતો હોય કાનાબાર આજે માનસિક ત્રાસ અને કામના ભારણના પગલે તેઓની તબિયત ઉપર અસર થતાં તેવું બેભાન બની ઢળી પડ્યા હતા. બાદમાં કાનાબારને તાબડતોબ સદભાવના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા.
અગાઉ પણ તબિયત લથડી જતા સારવારમાં ખસેડાયા હતા
ઉલ્લેખનીય છે કે કામના ભારણને લીધે અગાઉ બે વખત અધિકારીની તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેઓ સ્વસ્થ થઈ ગયા હતા અને ફરી એક વખત તબિયત લથડતાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. હાલ આ અધિકારી હોસ્પિટલમાં દાખલ છે.