ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

રાજકોટમાં વધુ 18 સોસાયટીમાં લાગુ થયો અશાંતધારો

Text To Speech
રાજકોટ શહેરના વધુ 18 જેટલા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન, આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારની અનેક સોસાયટીમાં 2026 સુધી અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. માટે આ વિસ્તારોમાં પણ હવે પ્રોપર્ટીની ખરીદ-વેચાણ કરતા પહેલા જમીન માલિકોએ કલેક્ટર તંત્રમાંથી મંજૂરી ફરજિયાત મેળવવાની રહેશે.
કઈ-કઈ સોસાયટીમાં લાગુ પડશે અશાંતધારો ?
રાજ્યસરકાર દ્વારા આજથી વધુ 18 સોસાયટીમાં અશાંતધારો લાગુ પાડ્યો છે. જેમાં પૂર્વ ઝોન લગભગ પૂરો આટોપી લેવાયો છે. જેમાં રાજકોટના ભક્તિનગર અને આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળ આવતા તિરૂપતિ સોસાયટી, નીલકંઠ પાર્ક સોસાયટી, મેહુલનગર, દેવપરા, ગોકુલનગર, મેઘાણીનગર, કેદારનાથ, સૂર્યોદય સોસાયટી, સોરઠીયા વાડી વિસ્તાર, વિવેકાનંદ સોસાયટી, સાગર સોસાયટી, પુનીત સોસાયટી, પટેલનગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, પરસાણા સોસાયટી, નવદુર્ગા સોસાયટી, રાધાકૃષ્ણનગર, મારુતિ નગર સહિતના વિસ્તારોમાં અશાંતધારો આજથી લાગુ કરવામાં આવ્યો છે. જેમાં હવે પ્રોપર્ટીની ખરીદ-વેચાણ કરતા પહેલા જમીન માલિકોએ કલેક્ટર તંત્રમાંથી મંજૂરી ફરજિયાત મેળવવાની રહેશે.
ગતવર્ષે પશ્વિમ વિસ્તારમાં લાગુ પડાયો હતો અશાંતધારો 
ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં પ્રથમ વખત અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં 28 જેટલી સોસાયટી-વિસ્તારને સમાવતું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં પણ મિલકતના ખરીદ-વેચાણ કરતા પૂર્વે જિલ્લા કલેક્ટરની પરવાનગી લેવાની રહેશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું.
શું છે અશાંતધારો ? શા માટે લાગુ પાડવામાં આવે છે ?
ગુજરાતમાં 1969 અને 1985-86માં કોમી તોફાનો થયા હતા, જેમાં સૌથી વધુ કોમી રમખાણો અમદાવાદમાં થયા હતા, ત્યારે હિન્દુ પરિવારોએ શહેર વિસ્તારોમાંથી મકાનોનું સ્થળાંતર કરીને શહેરની બહાર સલામત વિસ્તારમાં આવી ગયા હતા. આ ઉપરાંત, લઘુમતી સમાજના લોકોએ શહેર વિસ્તારમાં મકાનો ખરીદીને ત્યાં વસવાટ શરૂ કર્યો હતો. રમખાણવાળા વિસ્તારોમાં મિલકતોનું ખરીદ વેચાણ અટકાવવાના આશયથી રાજ્ય સરકારે 1991માં અશાંત ધારો લાવ્યા હતા. તે બાદ વખતોવખત જેમ જેમ જરૂર પડી તેમ તેમ તેમાં સુધારા વધારા કરવામાં આવતા હતા. હાલ વધુ નવા વિસ્તારોને અશાંત ધારામાં સમાવી લેવામાં આવ્યા છે.
Back to top button