રાજકોટમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત માઉન્ટેડ પોલીસ દ્વારા 35 અશ્વો સાથે તિરંગા યાત્રા નીકળી


રાજકોટઃ સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ આઝાદ થયો તેને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશવાસીઓને ‘હર ઘર તિરંગા‘ અભિયાનમા જોડાવવા આહ્વાન કરવામાં આવ્યું છે. જેને લઈને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. ત્યારે આજે રાજકોટમાં પણ વહેલી સવારે માઉન્ટેડ પોલીસ અને અશ્વ તાલીમ શાળા દ્વારા 35 અશ્વો સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત માઉન્ટેડ પોલીસ દ્વારા 35 અશ્વો સાથે તિરંગા યાત્રા નીકળી#HarGharTiranga #Police #rajkot #rajkotpolice #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/4RQ4kvGF3A
— Hum Dekhenge News (@humdekhengenews) August 10, 2022
રાજકોટ માઉન્ટેડ પોલીસના પીઆઇ યુવરાજસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત હર ઘર તિરંગાના ભાગરૂપે આજ રોજ રાજકોટ માઉન્ટેડ પોલીસ અને અશ્વ તાલીમ શાળા દ્વારા માઉન્ટેડ પોલીસ લાઇનથી રેસકોર્સ સુધી 35 અશ્વો સાથે રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાન અંગે લોક જાગૃતિ માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં રાજકોટ માઉન્ટેડ પોલીસ સ્ટાફ તેમજ અશ્વ તાલીમ શાળાના સભ્યો જોડાયા હતા. લોકોમાં વધુને વધુ જાગૃતતા આવે એ ઉદ્દેશથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી 13થી 15 ઓગસ્ટ દરમિયાન દેશનો દરેક નાગરિક પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવી આઝાદીના 75 વર્ષની ઉજવણી કરે અને દેશમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધે તે માટે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આ આહ્વાન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ અભિયાનને વધુ સફળતા મળે અને લોકોમાં જાગૃતતા આવે તે માટે અલગ અલગ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.