ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં પોલીસની તાકીદ બાદ પેન્ડિંગ ઈ-મેમો ભરવા લાંબી કતારો લાગી

Text To Speech
રાજકોટ શહેરમાં મંગળવારે ટ્રાફિક એસીપી વી.આર.મલ્હોત્રાએ એક નોટિસ જાહેર કરી હતી. જેમાં ઈ-મેમો બાકી હોય તેવા વાહન ચાલકોને તા.25 જૂન સુધીમાં ઈ-મેમો ભરી દેવા સ્પષ્ટપણે તાકિદ કરવામાં આવી છે કે, જો તેઓ ઈ-મેમોની ભરપાઈ નહીં કરે તો તેની સામે લોક અદાલતમાં કેસ કરવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે. આ નોટિસને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે અને બુધવારે સવારથી ટ્રાફિક પોલીસ કચેરીની બહાર પેન્ડિંગ ઈ-મેમો ભરવા લોકોની લાંબી કતારો લાગી હતી.
લોકઅદાલત સમાધાન માટે હોય છે તેમાં થતો કેસ નોન ક્રિમિનલ ગણાય : એડવોકેટ નકુમ
દરમિયાન આ અંગે અગાઉ ટ્રાફિક શાખાને પડકાર ફેંકનાર શહેર યુવા લોયર્સની ટીમ ફરી એક વખત મેદાને આવી છે. તેઓએ વાહનચાલકોને ટ્રાફિક શાખા દ્વારા કેસ કરવાની નોટિસના વાયરલ મેસેજને ધમકી ગણાવી છે. તેમજ યુવા લોયર્સ ટીમના એડવોકેટ કિરીટ નકુમ દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે કે, લોકઅદાલત સમાધાન માટે હોય છે તેમાં જો કોઇ કેસ કરવામાં આવે તો તે નોન ક્રિમિનલ ગણાય છે. વધુમાં એડવોકેટ કિરીટ નકુમે જણાવ્યું હતુ કે, ટ્રાફિક પોલીસ દ્વારા અગાઉ ઇ-મેમોના નામે ઉઘરાણા શરુ કરવામાં આવ્યા હતા જેની સામે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતુ કે, ઇ-મેમો જનરેટ થયાના છ મહિનામાં વાહનચાલક દંડ ભરે નહીં તો પોલીસે તેની સામે એનસી કેસ દાખલ કરવાનો હોય છે અને તે કેસ બાબતે કોર્ટ કાર્યવાહી કરે છે પરંતુ છ મહિના પૂર્વેના ઇ-ચલણનો દંડ વસુલવો નહીં જે બાબતનું પોલીસે ખોટુ અર્થઘટન કરીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે એટલુંજ નહીં લોકઅદાલતનો અર્થ એ છે કે તેમાં કેસ પુરો થાય, લોકઅદાલતમાં કયારેય કેસ દાખલ થઇ શકે નહીં.
યુવા લોયર્સ ટીમના એડવોકેટ કિરીટ નકુમ
છેલ્લા છ મહિનામાં આવેલા મેમો જ ભરવાના રહેશે
નોંધનીય છે કે ઈ-મેમો બાબતે હાઇકોર્ટે પણ રોક લગાવી હતી અને ઇ-મેમો જનરેટ થયાના છ મહિનામાં જો વાહનચાલક દંડ ભરપાઇ ન કરે તો છ મહિનામાં પોલીસ એનસી કેસ દાખલ કરી શકે, અને જૂના ઇ-મેમોના દંડ વસૂલવાનું બંધ કરવા આદેશ કર્યો હતો. છતાં ટ્રાફિક એસીપીએ લોકઅદાલતના મામલે પ્રસિદ્ધ કરેલા મેસેજમાં છ મહિનામાં જનરેટ થયેલા ઇ-મેમો માટે જ તા.25 સુધીમાં દંડ ભરપાઇ કરવો તેવું સ્પષ્ટ નહીં કરતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પરંતુ હવે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીએ આ અંગે સ્પષ્ટતા કરી હતી જેના કારણે અન્ય વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો
Back to top button