ગુજરાત

રાજકોટમાં માતાએ 9 માસની બાળકીને એસિડ પીવડાવી પોતે જીવન ટૂંકાવ્યું

Text To Speech

રાજકોટ, 29 જાન્યુઆરી 2023, ગુજરાતમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યાં છે. રાજકોટના ઉપલેટામાં જનેતાએ નવ મહિનાની દીકરીને એસિડ પીવડાવી પોતે પણ પી લીધું હતું. આ દરમિયાન પરિવાર ખેતરમાં મજૂરી કામ કરતો હતો ત્યારે પત્નીએ પતિને ફોન કરીને જાણ કરી હતી. પત્નીના ફોન બાદ તાત્કાલિક પરિવારજનો ઘરે દોડી ગયા હતાં અને માતા તથા પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જો કે સારવાર મળે તે પહેલા જ માતાનું મૃત્યુ થયું હતુ અને પુત્રીની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પતિએ મૃતક પત્ની વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો છે.

માસુમ દીકરીની હાલત અતિ ગંભીર
પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉપલેટાના ભીમોરા ગામમાં રહેતા મનીષાબેન મકવાણા રવિવારે બપોરે ઘરમાં એકલા હતા. આ દરમિયાન તેમણે 9 માસની માસુમ પુત્રી ધાર્મીને એસિડ પીવડાવીને પોતે પણ એસિડ પી લીધું હતું. આ બનાવ બાદ તેમણે ખેતરમાં કામે ગયેલા પતિને ફોન કરીને તેની જાણ કરી હતી. જેથી પરિવારજનો દોડતા ઘરે આવ્યા હતા અને બેભાન હાલતમાં માતા તથા પુત્રીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતાં. જ્યાં સારવાર પહેલાં જ મહિલાનું મૃત્યુ થયું હતું. જ્યારે 9 માસની દીકરીની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પતિએ મૃતક પત્ની સામે ફરિયાદ નોંધાવી
મહિલાના પતિએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સારવાર દરમિયાન મારી પત્નીનું મોત થયું હતું અને મારી દીકરી ધાર્મીની તબિયત વધારે ગંભીર થતા તેને મારા મોટાભાઈ રામભાઈ મકવાણા રાજકોટ સરકારી દવાખાને સારવારમાં લઈ ગયા છે. મારી દીકરીની સારવાર ચાલુ છે અને મારી પત્ની મનિષા કોઈ કારણે આવેશમાં આવી અમારા ઘરે એકલી હોવાથી તેણે પોતે એસિડ પી મારી દીકરી ધાર્મીને પણ મારી નાખવાના ઇરાદે એસિડ પીવડાવી પોતે આપઘાત કર્યો છે. જેથી મારી પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવું છું.

આ પણ વાંચોઃઅમદાવાદ: પ્રેમિકાએ કેમ મારી સાથે સંબંધ રાખતો નથી કહી પૂર્વ પ્રેમી પર કર્યો એસિડ એટેક

Back to top button