ગુજરાત
રાજકોટમાં સાળી સાથે પ્રેમ થઈ જતાં પત્નીનું કાસળ કાઢી નાખતો પતિ, દોઢ મહિને પડી ખબર
રાજકોટ જિલ્લામાં વીંછીયા તાલુકાના દલડી ગામે રહેતી પરિણીતા દોઢ મહિનાથી ગુમ હોય જેનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પતિએ જ પત્નીનું કાસળ કાઢી નાંખ્યું હોવાનું ખુલ્યું હતું. આ અંગેનું કારણ જાણવા તપાસ કરતા પતિને સાળી સાથે પ્રેમ હોય જેમાં તે બાધારૂપ હોવાથી તેને મારી નાંખી તેની લાશ દાટી દીધી હોવાનું સામે આવ્યું હતું.
પતિએ જ પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી
મળતી માહિતી મુજબ, વીછિંયાના દલડી ગામે સાસરુ ધરાવતી અને છાસીયા ગામે માવતર ધરાવતી રંજન રાજેશ ઓળકીયા (ઉ.27) નામની પરિણીતા ગત તા.22 મેના રોજ પોતાના ધરેથી ગુમ થઇ ગઇ હતી. આ અંગે તેના પતિએ વીછિંયા પોલીસ મથકમાં તેના પતિ રાજેશે ગુમસુદા નોંધ લખાવી હતી. જે બાદ તેનો પત્તો ન લાગતા પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી હતી.
દોઢ મહિનાથી પત્તો ન લાગતા પિતા ધરણાં ઉપર બેઠા
દોઢ મહિના સુધી રંજનનો કોઇ પત્તો ન લાગતા તેના પિતા સહિતના પરિવારજનો વીછિંયા પોલીસ મથકે પહોંચ્યા હતા અને દિકરીને શોધી કાઢવા માટે પોલીસને અરજી આપી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતા આખરે રંજનના પિતા લક્ષ્મણભાઇ જોગરાજીયા તથા કોળી સમાજના આગેવાનો વીછિંયા મામલતદાર કચેરી ખાતે બે દિવસ પહેલા ધરણા પર બેસી ગયા હતા. જેથી પોલીસે ત્વરીત કાર્યવાહી હાથ ધરતા ચોટીલા તાલુકાના ઢોકળવા ગામેથી અવાવરૂ જગ્યામાંથી એક હાડપીંજર શોધી કાઢયું હતું. જેને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું. જ્યાં તપાસ દરમ્યાન આ હાડપીંજર દલડીથી ગુમ થયેલી રંજનનો હોવાનું સામે આવતા પોલીસે શંકાના આધારે તેના પતિ રાજેશની અટકાયત કરી લીધી હતી.
પતિએ જ ગળેટુંપો આપી પતાવી નાંખી હતી
વીછિંયા પોલીસે રાજેશને ઉઠાવી લીધા બાદ તેની આ અંગે પુછપરછ કરતા તે પોપટ બની ગયો હતો અને રંજનની તેણે હત્યા કરી નાખી હોવાની કબુલાત આપી હતી. રંજનની હત્યા કરવાના કારણ અંગે રાજેશે જણાવ્યું હતું કે, તે રંજનની બહેનના પ્રેમમાં ગળાડુબ હતો. રંજનને એચઆઇવી પોઝીટીવ હોવાથી તે તેની બહેન સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ તા.23મીએ સાળીની ચુંદડી ઓઢાડવાની હોય અને તેની સાથે લગ્ન કરી શકવાનો ન હોય જેથી પત્નીને આડખીલી રૂપ માનીને તા.22મીએ તેને મળવા જવાનું કહી રંજનને સાથે લઇ ઢોકળવા ગામની સીમમાં ચાર્જરના વાયર વડે ટુપો આપી પતાવી દીધી હતી અને લાશ ઠેકાણે પાડી ત્યાંથી પોતે નીકળી ગયો હતો. દરમ્યાન પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાંખી આરોપી રાજેશની ધરપકડ કરી લીધી હતી.
પોલીસની બેદરકારીનો આરોપ, જવાબદારો સામે કાર્યવાહીની માંગ
જો કે, બનાવના દોઢ મહિના સુધી પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોય જેના કારણે વીછિંયા પોલીસની બેદરકારી હોવાના આક્ષેપ સાથે ફરી એક વખત રંજનના પરિવારજનો રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ધરણા ઉપર બેસી ગયા હતા અને જ્યાં સુધી જવાબદારો સામે પગલા ભરવામાં ન આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનું ઇન્કાર કરી દીધો હતો. જેના પગલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દોડધામ મચી ગઇ હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સીવીલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. જેઓએ પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.