રાજકોટ મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસે વિપક્ષનું પદ ગુમાવ્યું, ઓફિસ ખાલી કરવા આદેશ
ગુજરાતમાં મરવા પડેલી કોંગ્રેસની હાલત દિવસેને દિવસે કથળતી જતી હોય તેવું લાગી રહ્યું છે. વિધાનસભામાં વિપક્ષનું પદ ગુમાવ્યા બાદ હવે મહાનગરપાલિકાઓમાં પણ કોંગ્રેસ એક પછી એક વિપક્ષનું પદ ગુમાવી રહી છે. પહેલા જૂનાગઢ અને હવે રાજકોટ મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસે વિપક્ષ નેતાનુ પદ ગુમાવ્યુ છે. ગુજરાત કોંગ્રેસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રસનો આંતરિક વિખવાદ અને જુથવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અગાઉ પણ વિધાનસભામાં થયેલી કારમી હારના કારણો જાણવા હાઈકમાન્ડે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી ગુજરાત મોકલી હતી. કમિટીએ પોતાનો રિપોર્ટ હાઈકમાન્ડને આપે ત્રણ મહિના થયા છતાં કોઈ નેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ભાનુ સોરાણીને કાર જમા કરાવવા અને કચેરીમાં આવેલી વિપક્ષની ઓફિસ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ જૂનાગઢ મહાનગર પાલિકામાં પણ વિપક્ષનું પદ કોંગ્રેસે ગુમાવ્યું હતું. એકતરફ ભાજપ 2024 લોકસભા ચુંટણીની તૈયારીમાં લાગી ગયું છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ દિવસે ને દિવસે કોઈને કોઈ રીતે પાર્ટીની વધેલી શાખ બચાવવા પ્રયાસો કરી રહી છે.