ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
રાજકોટમાં ભાજપના નેતાના નિવેદનથી સૌ કોઈ હસીને ગોટો થઈ ગયા


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ પક્ષો નેતાઓ અને આગેવાનોને પોતાના તરફી કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે ભાજપે રાજકોટ ગ્રામ્યની સીટ પર ખેલ પાડી દીધો છે. જેમાં કોંગ્રેસ અને આપના અનેક કાર્યકરોને પોતાના તરફ આકર્ષાવી તેઓને રાજીનામા આપી ભાજપમાં જોડી લીધા છે.

સહકારી આગેવાન બાબુ નસીતની જીભ લપસી
પરંતુ મંચ પર ભાજપના જ નેતાએ ભગો કરતા સભાગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. જ્યાં આપ અને કોંગી આગેવાનોના પ્રવેશ સમયે રાજકોટ ભાજપના સહકારી આગેવાન બાબુ નસીતની જીભ લપસી હતી અને તેમણે કહ્યું હતું કે, આજે બધા કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે. બાબુ નસીતના આ નિવેદનથી સ્ટેજ પરથી સૌરાષ્ટ્ર પ્રભારી વિનોદ ચાવડા સહિતના આગેવાનોએ કહ્યું, એ ભાઈ..કોંગ્રેસ નહિ ભાજપમાં જોડાશે. તુરંત ભાજપ નેતા બાબુ નસીતએ પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું પણ સભાગૃહમાં હાસ્ય ફેલાયું હતું.

રાજકોટ – લોધીકા તાલુકાના આગેવાનો જોડાયા
રાજકોટ શહેરના હેમુ ગઢવી હોલ ખાતે સવારે 10 વાગ્યે ભાજપ દ્વારા એક કાર્યક્રમ યોજી કોંગ્રેસમાં મોટું ભંગાણ કરવામાં આવ્યું છે. આજે જિલ્લાના પ્રભારી વિનોદ ચાવડા, મંત્રી અરવિંદ રૈયાણી અને જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર સંજય ખૂંટ,મયુરસિંહ જાડેજા અને સવજી પરમાર તેમજ સહકારી આગેવાન રાજકોટ લોધીકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા સહીત 150 જેટલા કાર્યકર્તા સાથે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આજે ભાજપમાં જોડાયેલા સંજય ખૂંટ રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ હતા જ્યારે કે મયુરસિંહ લોધિકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ હતા. આ ઉપરાંત સવજી પરમાર(એસ.સી. વિભાગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ), હિતેશ ખૂંટ (તા. પં. સભ્ય), બોદુ કેસરિયા (તાલુકા પંચાયત સભ્ય), મિલન દાફડા (તા. પં. સભ્ય), ભાવેશ હરસોડા (સરપંચ, નગરપીપળિયા), મહાવીરસિંહ જાડેજા (સરપંચ, રાતૈયા), દેશાગર સોંદરવા (સરપંચ, છાપરા), મનસુખ વેકરિયા (પ્રમુખ, માખાવડ મંડળી), નિલેશ રિબડિયા (સરપંચ, ખેરડી)નો પણ ભાજપમાં જોડાવવા વાળા નેતા, આગેવાનોમાં સમાવેશ થાય છે.