ગુજરાત

રાજકોટમાં નવા રિંગ રોડ પર દારૂના નશામાં પોલીસમેને નવી નક્કોર કારને ઠોકરે ચડાવી, દંપતી ઇજાગ્રસ્ત

Text To Speech

રાજકોટઃ શહેર નવા 150 ફૂટ રીંગ રોડ પર મધરાતે દારૂના નશામાં માતેલા સાંઢની માફક કાર ચલાવતા ટ્રાફિકના પોલીસમેને નવી નક્કોર કીયા કારને હડફેટે લઈ વેપારી પતિ-પત્ની ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત બંનેની કારમાં પણ નુકશાન હોય હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસે ટ્રાફિક પોલીસમેન સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ ટી.એન. રાવ કોલેજ પાસે નંદભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી શૈલેષ હરખાભાઈ ઘોડીસરા (ઉ.વ.34)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધરમનગર સોસાયટીમાં રહેતા અને ટ્રાફિક પોલીસમેન તરીકે ફરજ બજાવતા રવિ મોહનભાઈ ગઢવીનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, કુવાડવા જીઆઈડીસીમાં કલર પેઈન્ટનો ધંધો કરતા ફરીયાદી શૈલેષ ઘોડસરાએ નવીકિયા કાર છોડાવી હોય તેનું રજીસ્ટ્રેશન કરાવી ગઈકાલે રજા હોય પરિવાર સાથે ધ્રોલ ગયા હતા. રાત્રે 12 વાગ્યે પટેલ પરિવાર ધ્રોલથી પરત ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે નવા 150 ફૂટ રીંગ રોડ પર મુંજકા ચોકડી અને કટારીયા ચોકડી વચ્ચે બાપુની હવેલી હોટલ પાસે સામેથી દારૂના નશામાં પૂરઝડપે અટીકા કાર લઈને આવેલા પોલીસમેને કીયા કારને હડફેટે લીધી હતી.

આ અકસ્માતમાં ફરીયાદી શૈલેષ ઘોડાસરા અને તેમની પત્ની જલ્પાબેનને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે નવી નક્કોર કિયા કારમાં બે લાખનું અને અટીકા કારમાં નુકશાન થયું હતું. આ બનાવની યુનિવર્સિટી પોલીસને જાણ થતા અકસ્માત સર્જનાર ટ્રાફિક પોલીસમેન રવિ ગઢવી સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button