રાજસ્થાનમાં હવે ગેહલોત સરકારના આ મંત્રી પણ પાયલોટને બનાવવા માંગે છે મુખ્યમંત્રી
રાજસ્થાનના રાજકારણમાં આવતા ભુકંપ સમવાનું નામ નથી લેતા. અગાઉ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી વખતે જે ખેલ થઈ રહ્યો હતો તેવો જ ખેલ ફરી શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ માટેની આગ ખુદ ગેહલોત સરકારના મંત્રી હેમારામ ચૌધરી દ્વારા લગાડવામાં આવી છે. તેણે એક નિવેદન આપ્યું છે કે જો પાયલોટને મુખ્યમંત્રી નહીં બનાવવામાં આવે તો પાર્ટીને ઘણું નુકસાન થવાની શકયતા છે. જો એવું હોય તો યુવા ચેહરા માટે હું મારી જગ્યા ખાલી કરવા રાજીનામું આપવા માટે તૈયાર છું.
ચૌધરીએ કહ્યું પાર્ટીને ઉભી કરવામાં પાયલોટનું યોગદાન
વધુમાં વનમંત્રી હેમારામે કહ્યું હતું કે, રાજ્યમાં પક્ષ જ્યારે સત્તા ઉપર આવવા માટે ઝઝૂમી રહ્યો હતો ત્યારે તેને બેઠો કરવામાં સચિન પાયલોટનું મહત્વપુર્ણ યોગદાન રહ્યું હતું. તેણે વિપક્ષમાં બેઠા બેઠા ઘણો ભોગ આપ્યો હતો ત્યારે પાર્ટી આજે આ મુકામ ઉપર બેઠી છે.
ભારત જોડો યાત્રા હવે પહોંચશે રાજસ્થાન
ઉલ્લેખનીય છે કે, ભારત જોડો યાત્રા રાજસ્થાન પહોંચે તે પહેલા જ કોંગ્રેસમાં રાજકીય હલચલ જોવા મળી રહી છે. ફરી એકવાર સમર્થકોએ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાનો આગ્રહ શરૂ કર્યો છે. યુથ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાકેશ મીણાના રાજીનામા બાદ હવે ગેહલોતના મંત્રી હેમારામ ચૌધરીએ સચિન પાયલટને જવાબદારી સોંપવાની માંગ ઉઠાવી છે.