ગુજરાત સરકારના વાઇબ્રન્ટની જેમ રાજસ્થાન સરકારે પણ ઉદ્યોગપતિઓ રોકાણ માટે આવકારવા ઇન્વેસ્ટ રાજસ્થાન 2022 સમિટ કાર્યક્રમ યોજયો છે. તેમાં રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. તેમાં ઇન્વેસ્ટ રાજસ્થાન 2022 સમિટ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આવ્યા છે. તેમજ એશિયાના સૌથી ધનિક વ્યક્તિમાં ગૌતમ અદાણીની ગણતરી થાય છે.
ઔદ્યોગિક ક્ષેત્રોમાં રૂ. 35,000 કરોડથી વધુનું રોકાણ કર્યું
ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપે રાજસ્થાનમાં અનેક ઔદ્યોગિક ક્ષેત્રોમાં રૂ. 35,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. રિન્યુએબલ એનર્જી સેક્ટરના બિઝનેસમાં તેનું રોકાણ ચાલુ રાખીને રૂ. 50,000 કરોડના રોકાણવાળી કંપની 10,000 મેગાવોટનો પ્રોજેક્ટ પણ અમલમાં મૂકી રહી છે. અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીએ ઇન્વેસ્ટ રાજસ્થાન સમિટ 2022 દરમિયાન આ વાત જાહેર કરી છે. તેમજ ઇન્વેસ્ટ રાજસ્થાન 2022 સમિટ કાર્યક્રમમાં સીએમ ગેહલોતની ઝડપી નિર્ણય લેવાની ખુબ પ્રશંસા કરી હતી. આગામી 5 થી 7 વર્ષમાં રાજ્યમાં રૂ.65,000 કરોડનું નવું રોકાણ કરવાનું વચન આપ્યું હતું. આ સાથે તેમણે રાજસ્થાન સરકારની ઘણી અનોખી સામાજિક સુરક્ષા યોજનાઓની પણ પ્રશંસા કરી હતી.
સામાજિક ઉત્થાનની સાથે રાજસ્થાનની આર્થિક પ્રગતિ પણ થઈ
ગૌતમ અદાણીએ રાજસ્થાન સરકારની જાગૃતિ બેક ટુ વર્ક યોજના, શક્તિ ઉડાન યોજના અને મુખ્યમંત્રી અનુ-પ્રીતિ કોચિંગ યોજનાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ યોજનાઓના કારણે સામાજિક ઉત્થાનની સાથે રાજસ્થાનની આર્થિક પ્રગતિ પણ થઈ છે. આ તમામ યોજનાઓ રોજગારને પ્રોત્સાહન આપવાના સંદર્ભમાં ટ્રેન્ડ સેટર છે. આ યોજનાઓ શિક્ષણ અને આરોગ્યની પહોંચ પણ સુનિશ્ચિત કરે છે.
રાજ્યમાં 40,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે
ગૌતમ અદાણીએ કહ્યું કે તેમનું ગ્રૂપ રાજ્યમાં પાવર સેક્ટરમાં પહેલેથી જ મોટું રોકાણકાર છે. બીજી તરફ અંબુજા સિમેન્ટ અને ACCના અધિગ્રહણ બાદ તે રાજ્યમાં 3 પ્લાન્ટ ધરાવતી બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બની છે. આવી સ્થિતિમાં તેમનું જૂથ આ ક્ષેત્રમાં પણ વધુ રોકાણ વધારશે. અદાણી ગ્રૂપે રાજ્યમાં 35,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. જ્યારે આગામી 5થી 7 વર્ષમાં ઉર્જા ક્ષેત્રમાં 50,000 કરોડ રૂપિયાનું વધારાનું રોકાણ કરવામાં આવશે. જ્યારે સિમેન્ટ સેક્ટરમાં પણ 7,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ રીતે આગામી વર્ષોમાં રાજ્યમાં રૂ.65,000 કરોડનું વધારાનું રોકાણ થશે. આનાથી રાજ્યમાં 40,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે.