પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈ વિરોધ, ડીસા ના ભડથમાં સમસ્ત વાઘેલા ક્ષત્રિય જાગીરદાર દરબાર સમાજે રેલી યોજી
- ભાજપના નેતાઓની ગામમાં પ્રવેશબંધીના બેનર સાથે ભારે વિરોધ
પાલનપુર 14 એપ્રિલ : બનાસકાંઠામાં પુરુષોત્તમ રૂપાલાની વિવાદીત ટિપ્પણીને લઈ વિરોધ હજુ પણ યથાવત છે. આજે ડીસાના ભડથ ગામમાં સમસ્ત વાઘેલા ક્ષત્રિય જાગીરદાર દરબાર સમાજે રેલી યોજી હતી અને ભાજપના નેતાઓની ગામમાં પ્રવેશબંધીના બેનર સાથે ભારે વિરોધ દર્શાવ્યો હતો.
પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઇ ગામે ગામ ક્ષત્રિય સમાજમાં રોષ ભભુકી ઉઠ્યો છે, અને હવે તો અંતરિયાળ ગામડાઓમાં પણ ક્ષત્રિય સમાજના લોકો પુરુષોત્તમ રૂપાલાની સાથે સાથે ભાજપ સામે પણ વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે આજે ડીસા તાલુકાના ભડથ ગામમાં સમસ્ત વાઘેલા ક્ષત્રિય જાગીરદાર દરબાર સમાજના યુવાનો અને વડીલોએ ભેગા થઈ વિરોધ દર્શાવ્યો હતો. તેમજ ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશ બંધીના બેનર સાથે રેલી યોજી હતી. ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈ આગેવાન અમારા ગામમાં પ્રચાર માટે આવશે તો ઉભી પૂંછડીએ ભગાડી દઈશું.
આ અંગે યુવા અગ્રણી દેવસિંગે જણાવ્યું હતું કે આજે અમે ભડથ ગામના અઢારે આલમના લોકો ભેગા થઈ રૂપાલાએ જે અમારી બહેન- દીકરીઓ માટે ટિપ્પણી કરી છે તેનો અમે વિરોધ કરીએ છીએ અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ આગેવાનને ગામમાં પ્રવેશવા દઈશુ નહીં અને જો કોઈ આવશે તો ઉભી પૂંછડીએ ભગાડી દઈશું
આ પણ વાંચો : ‘જો રૂપાલાની ટીકીટ નહી કપાય તો ….’ : રતનપરમાં ક્ષત્રિય સમાજની શક્તિ પ્રદર્શન સાથે વિરોધની ચીમકી