પાવાગઢમાં શ્રીફળ વધેરવાના મશીન બન્યા શોભાના ગાંઠિયા સમાન!
પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે છોલેલું શ્રીફળ મંદિરમાં લઈ જવા અને વધેરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. અને સાથે ભક્તો માટે શ્રીફળ વધેરવા માટે મશીનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ મંદિરના આ નિયમનું પાલન કરવામા નથી આવી રહ્યુ. આજે ચૈત્રી નોરતાના પહેલાં દિવસે જ પાવાગઢમાં ભકતોએ માર્ગ પર જ શ્રીફળ વધેર્યા હતા.
ભક્તોએ માર્ગ પર જ વધેર્યા શ્રીફળ
યાત્રાઘામ પાવાગઢ ખાતે છોલેલું શ્રીફળ મંદિરમાં લઈ જવા તેમજ તેને વધેરવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. પાવાગઢ મંદિર પરિસર તેમજ આજુબાજુની જગ્યાઓમાં ગંદકી ન થાય તે માટે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરવામા આવ્યો છે. આ સાથે ભક્તો માટે મંદિર ટ્રસ્ટે માંચી ખાતે શ્રીફળ ફોડવા માટેનું મશીન પણ મુક્યું છે. પરંતુ આ મશીન શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આજે ચૈત્રી નોરતાના પહેલાં દિવસે જ ભક્તો માર્ગ પર શ્રીફળ વધેરી રહ્યા છે.
મંદિરના પ્રવેશદ્વારે શ્રીફળનો ખડકલો
આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. ત્યારે આજે નવરાત્રીના પ્રથમ દિવસે જ પાવાગઢમાં શ્રીફળ નહીં વધેરવાના નિયમનું ઉલ્લંઘન કરતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.ભક્તોએ માંચીમાં મુકેલા મશીનમાં શ્રીફળ વધેરવાને બદલે મંદિરના માર્ગો પર જ શ્રીફળ વધેર્યા હતા. જેના કારણે મંદિરના પ્રવેશદ્વારે શ્રીફળનો ખડકલો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદની કાલુપુર પબ્લિક સ્કૂલ બંધ કરવાનો નિર્ણય,વાલીઓમાં રોષ, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના તંત્ર પર આક્ષેપ