પાટણના રાધનપુરમાં આખલાએ 18 વર્ષીય યુવાનને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું


પાટણ જિલ્લામાં અવારનવાર આખલા બાથવાના બનાવ બનતાં હોય છે. જેના કારણે નિર્દોષ લોકોના જીવ તાળવે ચોંટી જતા હોય છે. ત્યારે રાધનપુરમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. આખલાના તોફાનમાં 18 વર્ષીય યુવકે જીવ ગુમાવતા પરિવારજનો માં માતમ છવાયો હતો.
આખલાએ અડફેટે લેતા મોત
રાધનપુરના 18 વર્ષીય યુવક ઘાંચી અબ્દુલ રજ્જાક મીરા દરવાજા પાસે ગયો હતો. તે સમયે આખલાએ યુવાનને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. છેલ્લા ઘણાં સમયથી રખડતા પશુઓનો આતંક વધી ગયો છે. જેને કારણે અનેક લોકો મોતને ભેટ્યાં છે. આ મામલે નગરપાલિકાના સત્તાધીશો પણ ચૂપ જોવા મળી રહ્યા છે.
રાધનપુરમાં આખલાનો આતંક
રાધનપુરની કોઈ એવી જગ્યા નહીં હોય જ્યાં આખલા ન દેખાય આમ નગરપાલિકાની બેદરકારી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હાલ તો ઘાંચી પરીવારે પોતાનો લાડકવાયો દીકરો ગુમાવતા પરિવારજનોમાં માતમ જોવા મળ્યો છે. સાથે સાથે લોકમાં પણ પાલિકા પ્રત્યે ભારે આક્રોશ જોવા મળ્યો છે.