પાલનપુરમાં પેન્શનનું પ્રલોભન આપી ગઠીયો વૃદ્ધાની સોનાની બે બંગડીયો લઈ ફરાર


પાલનપુર: શહેરના બ્રિજેશ્વર કોલોની મંદિર પાસે મહેશ્વરી સમાજના એક વૃદ્ધ દંપતિ ના ઘેર એક ગઠિયો ભર બપોરે આવી ચડ્યો હતો. આ ગઠિયાએ પેન્શન અપાવવાનું પ્રલોભન આપી વૃદ્ધ ને વાતોમાં પરોવી વૃદ્ધાના હાથમાં પહેરેલી અંદાજે 4 તોલાની સોનાની 2 બંગડીઓ લઈ ફરાર થઈ જતા ચકચાર મચી ગઇ હતી.
પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલના ત્યાંથી આવું છું કહી ઘરમાં ઘૂસ્યો
પાલનપુરના બ્રિજેશ્વર કોલોનીમાં 86 વર્ષના બંસીધરભાઈ અને 83 વર્ષના દેવીબેન મહેશ્વરી રહે છે. જેઓ બુધવારે બપોરે રસોડામાં જમતા હતા. ત્યારે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલના ત્યાંથી આવું છું.એક યોજનાનું ફંડ આવ્યું છે.તેવું કહી એક ગઠિયો ઘરમાં આવી ચડ્યો હતો. જે ગઠિયાએ આ વૃદ્ધ દંપતિને પેન્શન ની લાલચ આપી ઠગાઈ કરી હતી. વૃદ્ધ બંસીભાઈ મહેશ્વરીના પેન્શનના કાગળોમાં સહી લેવા આવેલા ગઠિયાએ રૂ.3 લાખનું પેન્શન મળશે તેવું કહી હાલ રૂ. 1 લાખ ભરવા પડશે તેવું કહ્યું હતું.
જોકે, વૃદ્ધ બંસીભાઈએ એક લાખ રૂપિયા તેમની પાસે ન હોવાનું જણાવી બેન્કની પાસબુક લેવા ગયા ત્યારે મોકાનો લાભ ઉઠાવી ગઠિયો રસોડામાં ઘુસી ગયો હતો. જ્યાં તેણે વૃદ્ધા દેવીબેનના હાથમાં પહેરેલી 4 તોલાની 2 બંગડીઓ કાઢી લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વૃદ્ધ દંપતિના મકાનની ઉપર રહેલો તેઓનો પુત્ર પણ નીચે દોડી આવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે તેઓએ પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો :ફ્લાવર શો અને અટલ બ્રિજથી AMCને પાંચ દિવસમાં આટલા લાખની થઈ આવક, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં