પાલનપુરમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો
પાલનપુર: પાલનપુર શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે કનૈયાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇને શહેરના જે માર્કો પરથી શોભાયાત્રા પસાર થવાની હતી. ત્યાં ઠેર- ઠેર મટકી ફોડના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. અહીંના બ્રિજેશ્વર કોલોની મંદિર થી શોભાયાત્રાનો બપોરે પ્રારંભ થયો હતો. જેમાં શણગારેલા એક રથમાં શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમાને બિરાજમાન કરવામાં આવી હતી અને ઢોલ -નગારા તેમજ બેન્ડવાજાના સુર સાથે “જય કનૈયા લાલ કી, હાથી -ઘોડા પાલખી”ના જયઘોષ સાથે મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા. સૌથી આગળ ઘોડેસવાર રાખવામાં આવ્યા હતા. જ્યારે અન્ય રથમાં બાળકો દેવી- દેવતાઓના વેશભૂષામાં શોભાયાત્રામાં જોડાયા હતા.
કૃષ્ણમય બનેલા ભક્તો નાચતા- કુદતા માર્ગો પર કૃષ્ણનો જયઘોષ બોલાવી રહ્યા હતા. જ્યારે 100 થી વધુ મટકી ફોડ ગોવિંદાઓ કેસરી ટીશર્ટમાં જોડાઈ માર્ગમાં બાંધેલી મટકીઓ ફોડતા હતા, ત્યારે લોકો ચીચીયારીઓ બોલાવી આકાશ ગુંજવી દેતા હતા. આ શોભાયાત્રામાં કૃષ્ણ ભગવાનના દર્શને આવનારા ભક્તો માટે 125 કિલો પંજરીનો પ્રસાદ તૈયાર કરી વિતરણ કરવામાં આવી રહ્યો હતો. આ શોભાયાત્રા બ્રીજેશ્વર કોલોની, જુના ટેલિફોન એક્સચેન્જ, દિલ્હી ગેટ, સીમલા ગેટ, સ્ટેશન રોડ, કીર્તિ સ્તંભ, ગુરુનાનક ચોક, સંજય ચોક, ગઠામણગેટ, હનુમાન ટેકરી, પથ્થર સડક, મોટી બજાર, ત્રણ બત્તી, નાની બજાર, કમાલપુરા અને કંથેરીયા હનુમાન થઈ અને નિજ મંદિર પહોંચશે. આ શોભાયાત્રાના માર્ગમાં કૃષ્ણ ભક્તો દ્વારા ઠેર- ઠેર ફુલ વરસાવીને વધામણા કરાયા હતા. સમગ્ર શહેર આજે કૃષ્ણના ભક્તિમય માહોલમાં ડૂબી ગયેલું જોવા મળતું હતું.
આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં નિર્માણ પામ્યું ઔષધીય વન, શું છે વિશેષતા