દક્ષિણ ગુજરાત

એક ઝાટકે સુરતના આટલા TRB જવાનોને નોકરીમાંથી તગેડી દેવાતા પોલીસ બેડામાં ફફડાટ

Text To Speech

સુરતના વકીલ મેહુલ બોઘરા પર સરથાણા કેનાલ રોડ પર TRB સુપરવાઈઝર સાજન ભરવાડ દ્વારા હિંસક હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પ્રજાની સેવા માટે પ્રજાના ફાળાથી સર્જન કરાયેલી ટ્રાફિક બ્રિગેડ દ્વારા પ્રજા પર જ દમને હવે હિંસક સ્વરૂપ ધારણ કરતા સુરત શહેર પોલીસની છબી બગડી છે.

આ બનાવ બાદ જો સુરત શહેર પોલીસ ભ્રષ્ટ ટીઆરબી જવાનો સામે કાર્યવાહી નહીં કરે તો સુરત શહેર પોલીસની નિષ્ઠા સામે પણ પ્રશ્નો ઉઠે તેમ હોય સુરત શહેર પોલીસ દ્વારા હવે ટીઆરબી જવાનો સામે કડક કાર્યવાહીનો આરંભ કરી દેવાયો છે. અગાઉ વરાછાના ટીઆરબી જવાનોને સસ્પેન્ડ કર્યા બાદ આજે સુરત શહેર પોલીસ દ્વારા એક ઝાટકે 37 ટીઆરબી જવાનોને નોકરીમાંથી પાણીચું આપી દેવામાં આવ્યું છે. 37 જેટલાં ટીઆરબીને નોકરીમાંથી કાઢી મુકવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રજા સાથે ગેરવર્તન, ભ્રષ્ટ્રાચાર અને સતત ગેરહાજરીની ફરિયાદોનો સામનો કરી રહેલાં ટ્રાફિક બ્રિગેડના 37 જવાનોને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. આ હૂકમ ટ્રાફિક સેક્ટર 1ની કચેરીના નાયબ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. તેથી મોટા ભાગના ટ્રાફિક બ્રિગેડના જવાનો કતારગામ વિસ્તારના હોવાનું જાણવા  મળ્યું છે.

હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

આ સાથે જ પ્રજાને અપીલ કરાઈ છે કે શહેરની ટ્રાફિક વ્યવસ્થા નિયમનની તેમજ ટ્રાફિક કર્મચારીને લગતી કોઈપણ રજૂઆત હોય તો સીધા સુરત શહેર ટ્રાફિક પોલીસ હેલ્પલાઈન નંબર 7434095555 પર સંપર્ક કરવો. આ અગાઉ સોમવારે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્પલાઈન નંબરો જાહેર કરાયા હતા. પોલીસ દ્વારા અને ટીઆરબી તરફે ગેર વર્તણુક સંદર્ભમાં પોલીસ કંટ્રોલ રૂમ ના 100 નંબર ઉપરાન્ત 0261-2241301-302-303-0261-26666657 અને મોબાઈલ નંબર-74340 95555 અને 90819 91100 વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યા છે.જેની ઉપર પીડિત સીધો સંપર્ક કરી શકશો એવી સૂચના અપાઈ છે.

આ પણ વાંચો : હવે હપ્તાખોરી કરતા ટીઆરબી જવાનો સામે કડક કાર્યવાહી, સુરત ટ્રાફિક પોલીસ વિભાગે ભર્યા કડક પગલાં

Back to top button