ગુજરાતટોપ ન્યૂઝ

એક દી’માં રાજકોટને 135 દિવસ ચાલે એટલું 4890 કરોડ લિટર પાણી વરસ્યું!

રાજકોટઃ શહેરમાં આજે એક દિવસમાં મેઘરાજાએ 20 લાખની વસ્તી ધરાવતા આ મહાનગરના લોકોને હાલના ધોરણે 135 દિવસ એટલે કે બરાબર સાડા ચાર માસ વિતરણ કરી શકાય એટલું 4980 કરોડ લિટર પાણી વરસી ગયું છે. પરંતુ અફસોસ એ છે કે આ પાણી સંગ્રહિત થયું નથી અને વહી ગયું છે. ડેમ અને તળાવો તો ભરાયા જ છે, બાકીનું પાણી વહી ગયું છે.

ઉંધી રકાબી જેવી ભૌગોલિક સ્થિતિ અને હાર્ડરોક ધરાવતું હોવાના કારણે બિલ્ડીંગો માટે ભાર વહનક્ષમતા વિશેષ ધરાવતા આ શહેરમાં જળસંચય માટે વર્ષોથી વાતો, આયોજનો થયા છે પરંતુ અમલ બાકી છે. શહેરનો વિસ્તાર 163.30 ચોરસ કિલોમીટરનો છે જ્યાં સરેરાશ 12 ઈંચ પાણી વરસતા જો આ પાણી સંગ્રહિત કરાય તો દૈનિક 36 કરોડ લિટરની જળમાંગ સામે તે 135 દિવસ ચાલે તેમ છે.

અત્યાર સુધીમાં શહેરમાં સરેરાશ 21 ઈંચ વરસાદ વરસ્યો છે, જે પાણી સંગ્રહિત થયું હોય તો 220 દિવસ અને શહેરનો સરેરાશ વરસાદ 35 ઈંચ છે, એટલા વરસાદનું પાણી આખું વર્ષ શહેરને ચાલે તેમ છે.

ઉલ્લેખનીય છે કે, આજી ડેમ અને ન્યારી ડેમમાં જે પાણી આવે છે તે શહેર બહારના સ્ત્રાવક્ષેત્રનું સંગ્રહિત થાય છે, રાજકોટની ધરતી પર વરસતું પાણી વોકળામાં થઈને જેમાં ગટર વહે છે તે આજી નદીમાં અને ગટરનું ટ્રીટેડ વોટર જમા કરાય છે તે આજી-૨ ડેમમાં ભરાય છે જે પીવા માટે વપરાતું નથી. આ ઉપરાંત લાલપરી તળાવમાં પાણી જાય છે તે પણ પીવા માટે નથી. તો વેસ્ટઝોન વિસ્તારનું પાણી ન્યારી-૨ ડેમમાં સંગ્રહિત થાય તો તે પાણી પણ મનપા પીવા માટે ઉપાડતી નથી.

Back to top button