મહેસાણામાં ગ્રામપંચાયતના તેમજ ખેડૂતોના બોરના કેબલ ચોરી કરતો ચોર ઝડપાયો
મહેસાણા તાલુકાના કેટલાક ગામોમાં થોડા દિવસ અગાઉ પાણીના બોરો પર લાગેલા તાંબાના વાયરની ચોરી થતી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં કેબલ ચોરો સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ લાઘણજ પોલીસે આરોપીને પકડવા પેટ્રોલીગ ચાલુ કર્યું હતું. જોકે એક ઈસમ એક્ટિવા પર કેબલ વેચવા ફરતો હોવાની બાતમી મળતા પોલીસે બાતમી આધારે કેબલ ચોરી કરનાર મંડાલી ગામના મેહુલ ઠાકોરને ઝડપી પાડ્યો છે.
ચોર કેબલ ચોરી કરી એક્ટિવા પર વેચવા ફરતો હતો:
લાઘણજ પોલીસ મથકના આ.પો.કો રણજીત સિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઈસમ પોતાની એક્ટિવા પર તાંબાના કેબલ વાયરનો ભંગાર વેચવા ફરી રહ્યો છે. તેમજ તે જોરણગ આખજ ગામ તરફના રસ્તે જતો હોવાની જાણ પોલીસને થઈ હતી. સમગ્ર મામલે પોલીસની ટિમ આંબલીયાસણ જોરણગ ગામ તરફ રોડ પર ગઈ હતી. જ્યાં આરોપી એક્ટિવા સાથે રોડ પર ઉભો હતો જેને પોલીસે ઝડપી લીધો હતો.
થોડા દિવસ પહેલા કેબલ ચોરી કર્યાની કરી કબુલાત:
સમગ્ર મામલે તપાસ દરમિયાન પોલીસે મંડાલી ગામના ઠાકોર મેહુલને ઝડપી લીધો હતો. જે આરોપીએ 2થી 3 જુલાઈ દરમિયાન હરસુડલ ગ્રામપંચાયતના બોર તેમજ ત્યાં નજીકમાં આવેલા ખેતરમાં બોર પરથી રાત્રિ દરમિયાન કેબલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેમજ એક્ટિવાની તપાસ કરતા ડેકીમાંથી વાયર કાપવાનું કટર મળી આવ્યું હતું. પોલીસે એક્ટિવા અને કેબલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતવાસીઓ ચેતજો ! આંખમાં ઇન્ફેક્શનના કેસોમાં આવ્યો મોટો ઉછાળો