મીડિયોત્સવ ૨૦૨૫માં મીડિયા આધારિત વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓનું હીર ઝળક્યું

- એનઆઇએમસીજે અમદાવાદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યભરની કોલેજોએ ભાગ લીધો
અમદાવાદ, 25 ફેબ્રુઆરી, 2025: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) અમદાવાદ દ્વારા તાજેતરમાં મીડિયોત્સવ ૨૦૨૫નું ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મીડિયા આધારિત વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યભરની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી અને સ્પર્ધાઓમાં વિજેતા થયા હતા.

કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરતા મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત જાણીતા ફિલ્મ મેકર અભિષેક જૈને સંસ્થાની આ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિને બિરદાવતા કહ્યું હતું કે આ પ્રકારની બૌદ્ધિક અને રચનાત્મક પ્રવૃત્તિઓવાળી સ્પર્ધાઓથી વિદ્યાર્થીઓમાં છુપાયેલી શક્તિઓ બહાર આવે છે. ફિલ્મ અને કલાના ક્ષેત્રોમાં આ પ્રકારના રચનાત્મક વિચારોવાળા લોકોની હંમેશા જરૂરિયાત રહે છે અને ઇન્ડસ્ટ્રીને પણ આવા કાર્યક્રમમાંથી જરૂરી ટેલેન્ટ મળતું હોય છે.
અતિથિવિશેષ પદે ઉપસ્થિત ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલના ચેનલ હેડ ડો.વિવેક ભટ્ટે પણ એનઆઇએમસીજેના વિદ્યાર્થીલક્ષી અભિગમને બિરદાવતા કહ્યું હતું કે મીડિયોત્સવ ૨૦૨૫એ કલા અને રચનાત્મકતાનો મંચ છે.આ સંસ્થામાં અભ્યાસ કરીને તૈયાર થતા વિદ્યાર્થીઓને માત્ર ગુજરાત જ નહીં સમગ્ર ભારતમાં ઉત્તમ પ્લેસમેન્ટ મળે છે તેનું કારણ તેનો આધુનિક અભ્યાસક્રમ અને ઇન્ડસ્ટ્રી કનેક્ટ છે. આ પ્રસંગે મીડિયોત્સવના સહયોગી અને સેન્ટર ફોર પ્રોફેશનલ કોર્સિસ ગુજરાત યુનિવર્સિટીના નિયામક ડો. પાવન પંડિતે પણ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સોશિયલ એમ્પ્લીફાયરના સ્થાપક વિવેક નથવાણીએ મીડીયોત્સવ ૨૦૨૫માં સહયોગી થવા બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પ્રદીપ જૈને આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની સફળતા માટે શુભકામના આપી હતી. કાર્યક્રમના અંતભાગે જાણીતા પોડકાસ્ટર જય થડેશ્વરે વિશેષ ઉપસ્થિત રહી વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને સર્ટિફિકેટ વિતરણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને કોલેજકાળમાં મળતી આ પ્રકારની તકોનો ભરપૂર ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

મીડિયોત્સવ ૨૦૨૫માં વકતૃત્વ, ડિબેટ, ન્યુઝ એન્કરિંગ, આર. જે., એડ- મેડ ,મોનો એક્ટ, ગ્રાફિક ડિઝાઇનિંગ, કન્ટેન્ટ ક્રિએશન, રેમ્પ વોક વગેરે સ્પર્ધાઓ તેમજ કન્ટેન્ટ રાઇટીંગ અને એનિમેશનના વર્કશોપ પણ યોજાયા હતા.આ સ્પર્ધાઓમાં નિર્ણાયકો તરીકે મીડિયાના વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો અંકિત ગોર, દેવાંશી જોશી, સંજય ચક્રવર્તી, રાજીવ પટેલ, સુરેશ મિસ્ત્રી, ભૂષણ કંકલ, દેવાંગ ભટ્ટ, હર્ષ ભટ્ટ, મેઘના ઓઝા તથા નૈષધ પુરાણીએ સેવાઓ આપી હતી. તમામ સ્પર્ધાઓમાં રાજ્યની અંદાજે 30 કોલેજોના 300 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સમગ્ર મીડિયોત્સવ ૨૦૨૫ને સફળ બનાવવા પ્રાધ્યાપકો નિલેશ શર્મા, કૌશલ ઉપાધ્યાય, ગરિમા ગુણાવત, નાયબ નિયામક ઇલાબેન ગોહિલ, માનસી સરવૈયા, સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓની વિવિધ સમિતિઓએ જહેમત ઉઠાવી હતી તેમ સંસ્થાના નિયામક પ્રો (ડૉ) શિરીષ કાશીકરની યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચોઃ અમદાવાદ : 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા યોજાશે
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD