મન કી બાતમાં PM મોદીએ કરી Digital Arrest અંગે ચર્ચા, ઠગાઈથી બચવા જણાવ્યા 3 સ્ટેપ
નવી દિલ્હી, 27 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 115મી વખત મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ Digital Arrest ફ્રોડ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી અને લોકોને જાગૃત કર્યા હતા. પીએમએ કાર્યક્રમમાં એક વીડિયો બતાવ્યો જેમાં પોલીસના કપડા પહેરેલા એક વ્યક્તિ અન્ય વ્યક્તિની પૂછપરછ કરી રહ્યો છે અને આધાર કાર્ડ બતાવવાની માંગ કરી રહ્યો છે.
ડિજિટલ ધરપકડ અંગે પીએમ મોદીએ કહ્યું કે, દરેક વય અને વર્ગના લોકો ડિજિટલ ધરપકડનો શિકાર બની રહ્યા છે. ભયના કારણે લોકોએ પોતાની મહેનતથી કમાયેલા લાખો રૂપિયા ગુમાવ્યા છે. લોકોને જાગૃત કરતા પીએમ મોદીએ કહ્યું, જો તમને ક્યારેય આવો ફોન આવે તો તમારે ડરવાની જરૂર નથી. તમારે જાણવું જોઈએ કે કોઈ પણ તપાસ એજન્સી ક્યારેય ફોન કૉલ અથવા વીડિયો કૉલ પર આવી પૂછપરછ કરતી નથી.
ડિજિટલ સુરક્ષાના ત્રણ તબક્કા
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે પણ તમને ડિજિટલ અરેસ્ટ માટે આવો ફ્રોડ કોલ આવે છે, તો સૌથી પહેલા તમારે ગભરાવું જોઈએ નહીં. પીએમ મોદીએ ડિજિટલ સુરક્ષાના ત્રણ તબક્કા પણ જણાવ્યા હતા. જેમાં રાહ જુઓ, તેના વિશે વિચારો અને ત્યારબાદ પગલાં લો.
પીએમે કહ્યું કે જો આવું કંઈ થાય તો તમે શાંત રહો, કોઈ ઉતાવળમાં પગલું ન ભરો, તમારી અંગત માહિતી કોઈને ન આપો, જો શક્ય હોય તો સ્ક્રીનશોટ લો અને રેકોર્ડિંગ કરો. બીજું પગલું વિચારવાનું છે. પીએમે કહ્યું કે તમારે વિચારવું જોઈએ કે કોઈ એજન્સી ફોન પર આવી ધમકીઓ આપતી નથી, વીડિયો કોલ પર પૂછપરછ કરતી નથી અને પૈસાની માંગણી કરતી નથી. જો તમને ડર લાગે છે તો સમજો કે કંઈક ખોટું છે. છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ ત્રીજા તબક્કા વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું, ત્રીજો તબક્કો એક્શન છે. નેશનલ સાયબર હેલ્પલાઇન 1930 ડાયલ કરો. સાયબર ક્રાઈમ વેબસાઈટ પર પણ જાણ કરો. પરિવાર અને પોલીસને જાણ કરો.
ફરિયાદ કેવી રીતે કરવી?
પીએમએ કહ્યું કે આ પ્રકારની છેતરપિંડી કરનારા હજારો વીડિયો આઈડી બ્લોક કરવામાં આવ્યા છે. લાખો સિમ કાર્ડ અને બેંક ખાતા પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. પીએમે કહ્યું, એજન્સીઓ તેમનું કામ કરી રહી છે, પરંતુ ડિજિટલ ધરપકડના નામે કૌભાંડોથી બચવા માટે દરેક નાગરિકની જાગૃતિ ખૂબ જ જરૂરી છે. આ પડકારનો સામનો કરવા માટે, તમારી સાથે થયેલા કૌભાંડને #SAFEDIGITALINDIA હેશટેગ સાથે સોશિયલ મીડિયા પર શેર કરો અને શક્ય તેટલા લોકોને જાગૃત કરો.
આ પણ જૂઓ :- સીરીઝ હાર્યા બાદ WTC ફાઈનલમાં કેમ પહોંચશે ભારત, જૂઓ આ જ છે એકમાત્ર રસ્તો