ગાંધીનગર, 03 સપ્ટેમ્બર 2024, ગુજરાતમાં ૩૯મું ચક્ષુદાન પખવાડીયું ૦૮ સપ્ટેમ્બર સુધી ઉજવાશે. છેલ્લા દાયકામાં રાજ્યમાં દર વર્ષે સરેરાશ ૭ લાખ જેટલા મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ ૧૦ લાખ વસ્તીને ૧૦ હજારથી વધુ મોતિયાના ઓપરેશનનો દર હાંસલ કરીને રાજ્ય અગ્રેસર રહ્યું છે. ગુજરાત સરકારે ફેબ્રુઆરી ૨૦૨૨મા ‘મોતિયા અંધત્વ બેકલોગ મુકત ગુજરાત’ અભિયાનને મહાઅભિયાન બનાવ્યું છે અને આ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય છે.મોતિયા અંધત્વ બેકલોગ મુક્ત ગુજરાત” કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૨ જાન્યુઆરીમાં રાજ્યમાં કાર્યરત ૧,૪૭૬ પ્રાથમિક, ૩૩૩ અર્બન, ૩૪૭ જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરને તેમજ ૫૦ હજારથી જેટલી આશા બહેનોને તાલીમ આપવામાં આવેલ છે.
નેત્રમણિ સાથેનુ ઓપરેશન વિના-મુલ્યે કરી આપવામાં આવે છે
રાજ્યની દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાજયની ૧ રીઝયોનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપ્થલ્મોલોજી, ૨૨ મેડીકલ કૉલેજ, ૨૨ જિલ્લા હોસ્પિટલ, ૩૬ તાલુકા કક્ષાની હોસ્પિટલ અને ૧૨૮ સ્વૈચ્છિક સંસ્થાઓ પૈકી એક સંસ્થા ખાતે લીંક અપ કરવામા આવેલ છે. આ ઉપરાંત રાજ્યમાં સરકાર હસ્તકની હોસ્પિટલો તેમજ રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ સાથે સંકળાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓ ખાતે મોતિયાના ઓપરેશનની જરૂરીયાત ધરાવતા દરેક દર્દીને ફેકોઇમ્લસીફીકેશન પદ્ધતિથી અત્યંત આધુનીક હાઇડ્રોફોબીક નેત્રમણિ સાથેનુ ઓપરેશન વિના-મુલ્યે કરી આપવામાં આવે છે. જેનો ખાનગી હોસ્પિટલમાં ખર્ચ અંદાજીત રૂ. ૬૦ થી ૮૦ હજાર જેટલો થતો હોય છે.
મોતિયાના ઓપરેશનમાં રાજ્ય અગ્રેસર
વર્ષ ૨૦૨૨થી કેન્દ્ર સરકારે ૫૦ વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને મોતિયાના કારણે અંધ-ઘનિષ્ઠ દ્રષ્ટિખામી ધરાવતા વ્યક્તિઓના ઓપરેશન અંગે ‘રાષ્ટ્રિય નેત્રજયોતિ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું હતું.કેન્દ્ર સરકાર તરફથી ‘રાષ્ટ્રીય નેત્રજયોતિ અભિયાન’ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ફળવાયેલ ૧,૨૬,૩૦૦ના લક્ષ્યાંકની સામે કુલ ૬,૩૬,૪૨૮ એટલે કે ૫૦૦ ટકાથી વધુ અને વર્ષ ૨૦૨૩-૨૪માં ૧,૫૧,૭૦૦ના લક્ષ્યાંકની સામે કુલ ૬,૧૦,૪૦૦ એટલે કે ૪૦૦ ટકાથી વધુ મોતિયાના ઓપરેશન કરીને ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો છે.વર્ષ ૨૦૨૪-૨૫માં ફળવાયેલ ૧,૭૬,૯૦૦ના લક્ષ્યાંક સામે જુલાઈ-૨૦૨૪ સુધીની સ્થિતિએ કુલ ૧,૫૨,૭૨૦ એટલે કે ૮૬ ટકા મોતિયાના ઓપરેશનની સફળતા મળી છે.
ચક્ષુદાન અને કીકી પ્રત્યારોપણમાં પણ ગુજરાત આગેકૂચ
રાજ્યમાં વર્ષ ૨૦૨૦થી જુલાઈ-૨૪ સુધીની સ્થિતિએ કુલ ૨૦૮૧૮ ચક્ષુદાન અને ૪૭૦૧ કીકી પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧માં ૨,૫૩૬ ચક્ષુદાન અને ૬૨૬ કીકી પ્રત્યારોપણ, વર્ષ ૨૦૨૧-૨૨માં ૪,૬૫૫ ચક્ષુદાન અને ૧,૦૨૦ કીકી પ્રત્યારોપણ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૫,૪૪૧ ચક્ષુદાન અને ૧,૧૨૧ કીકી પ્રત્યારોપણ અને વર્ષ ૨૦૨૩-૨૪માં ૬,૦૮૨ ચક્ષુદાન અને ૧,૪૫૪ કીકી પ્રત્યારોપણ થયા છે. જ્યારે, ચાલુ વર્ષમાં જુલાઈ-૨૪ સુધીની સ્થિતિએ ૨૧૦૪ ચક્ષુદાન અને ૪૮૦ કીકી પ્રત્યારોપણ થયા છે.સરકાર હસ્તક હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા તમામ ઓપ્ટોમેટ્રીસ્ટને ચક્ષુદાન લેવા માટેની ૧૫ દિવસની સર્ટીફાઇડ તાલીમ પણ અપાઈ છે.
આ પણ વાંચોઃગુજરાતમાં લીલા નાળિયેરનું વાર્ષિક ઉત્પાદન 23.60 કરોડ યુનિટ, ખેડૂતોને મળે છે આટલી સહાય