ખેડા જિલ્લામાં 35,891 ખેડૂતો 19,690 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
- ખેડા જિલ્લાના ધરતીપુત્રો પ્રાકૃતિક ખેતીમાં અગ્રેસર
- ખેડા જિલ્લામાં કુલ 419 ગ્રામ પંચાયતોએ પ્રાકૃતિક ખેતી કરતા 75થી વધુ ખેડૂતોનું લક્ષાંક હાંસલ કર્યુ
- પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ માટે જિલ્લામાં કુલ 10 હંગામી વેચાણ હાટ શરૂ
- સમગ્ર જિલ્લામાં અત્યાર સુધી કુલ રૂ. 9,59,007ની પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ચીજવસ્તુઓ વેચાઈ
નડિયાદ, 12 જૂન, 2024: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાસાયણિક ખેતીની તુલનાએ પ્રાકૃતિક ખેતી માણસ અને પ્રકૃતિ બન્નેનાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાની દિશામાં કામગીરી કરવામાં આવી છે. આજે ખેડા જિલ્લામાં કુલ 35,891 ખેડૂતો 19,690 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હાલમાં ખેડા જિલ્લામાં કુલ કુલ 419 ગ્રામ પંચાયતોમાં 75થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને જિલ્લામાં કુલ 106 પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ આવેલા છે.
જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સમયાંતરે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જરૂરી માર્ગદર્શન, માહિતી અને તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાના નાગરિકોને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત થયેલી સ્વાસ્થ્યવર્ધક ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે અને પ્રાકૃતિક ખેડૂતોને પોતાની ઉપજ માટે યોગ્ય બજાર તથા યોગ્ય ભાવ મળી રહે તે માટે જિલ્લામાં તાલુકા કક્ષાએ કુલ 10 હંગામી વેચાણ હાટ પણ ચાલુ કરવામાં આવ્યા છે.
ખેડા જિલ્લામાં ક્યાં અને ક્યારે પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદી શકાશે?
પ્રાકૃતિક ખેડૂત હાટ અંતર્ગત દર સોમવારે નડિયાદમાં કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે, વસોમાં દર ગુરુવારે તાલુકા સેવા સદન ખાતે, માતરમાં દર ગુરુવારે સવારે ગ્રામ પંચાયતની સામે, મહેમદાવાદમાં દર ગુરુવારે સવારે તાલુકા પંચાયત કચેરી ખાતે, ખેડામાં દર ગુરુવારે સવારે તાલુકા પંચાયત કચેરી ખાતે, કઠલાલમાં દર ગુરુવારે સવારે શાહપુર ગામે, ઈન્દોર-અમદાવાદ હાઈવે રોડ ખાતે, કપડવંજમાં દર સોમવારે સવારે બોભા ચોકડી, બોભા. કપડવંજ, દહેગામ રોડ, મહુધામાં દર સોમવારે સવારે તાલુકા પંચાયત કચેરી ખાતે, ઠાસરામાં દર સોમવારે સવારે તાલુકા પંચાયત કેમ્પસ ખાતે અને ગળતેશ્વરમાં દર ગુરુવારે સવારે તાલુકા પંચાયત ખાતે આવેલ વેચાણકેન્દ્રો પરથી ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિથી તૈયાર થયેલી ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 60 પ્રાકૃતિક ખેડૂતોએ વેચાણ હાટમાં ભાગ લઈને કુલ રૂ. 9,59,007 ની રકમની ચીજવસ્તુઓનું વેચાણ કર્યુ છે.
ખેડા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને વધુ પ્રોત્સાહન મળે તે માટે કુલ 101 ક્લસ્ટર હેઠળ કુલ 101 ફાર્મર માસ્ટર ટ્રેનર અને 101 ટેકનિકલ માસ્ટર ટ્રેનર અને કુલ 103 ફાર્મર ફ્રેન્ડ દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને ગાય આધારિત ખેતી, ઘનામૃત, જિવામૃતનો સચોટ ઉપયોગ, પાક-ફેરબદલી સહિતની બાબતો પર માહિતી આપી ફળદ્રુપ ખેતી માટે તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધી કુલ 1,70,823 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. જેમાં, નડિયાદમાં કુલ 13,543 ખેડૂતો, ઠાસરામાં 17,821, મહેમદાવાદમાં 17,423, કપડવંજમાં 35,757, કઠલાલમાં 22,655, ખેડામાં 13,940, મહુધામાં 12,877, માતરમાં 16,027, ગળતેશ્વરમાં 11,115 અને વસોમાં કુલ 9,665 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ આપવામાં આવી છે.
આમ, જિલ્લામાં વધુને વધુ ખેડૂતો તાલીમબદ્ધ થઈ પ્રાકૃતિક ખેતી તરફ વળી જિલ્લાવાસીઓ તથા પોતાની જમીનના સ્વાસ્થ્ય સંવર્ધનનું કામ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત “આત્મા પ્રાકૃતિક ખેડૂત હાટ” દ્વારા ખેડૂતોને પોતાની પ્રાકૃતિક ખેતપેદાશોના વેચાણ માટે યોગ્ય બજાર તથા સારો ભાવ મળી રહે છે અને જિલ્લાવાસીઓને ઝેરી રસાયણોથી મુક્ત, સંપૂર્ણ પ્રાકૃતિક શાકભાજી અને અન્ય ખેતપેદાશો મેળવવી સરળ બની છે.
આ પણ વાંચોઃ નમો લક્ષ્મી યોજનાની સહાય માટે ધો.10 અને 12ની 5 લાખ વિદ્યાર્થિનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ