નવી દિલ્હી, 15 જૂન : કર્ણાટક રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. સરકારે પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 3.02 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સેલ ટેક્સમાં સુધારા બાદ આ વધારો થયો છે. રાજ્ય સરકારે સેલ્સ ટેક્સમાં સુધારો કર્યો હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં અનુક્રમે ₹3 અને ₹3.02નો વધારો થશે. દેશના અન્ય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલ અને ડીઝલ પર કેટલો ટેક્સ વધ્યો?
શનિવારે રાજ્ય સરકારની સૂચના અનુસાર, પેટ્રોલ પર કર્ણાટક સેલ્સ ટેક્સ (KST) 25.92 ટકાથી વધારીને 29.84 ટકા અને ડીઝલ પર 14.3 ટકાથી વધારીને 18.4 ટકા કરવામાં આવ્યો છે.
આ વધારા પછી ભાવ શું થશે?
કર્ણાટક પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, પેટ્રોલની કિંમત 3 રૂપિયા વધીને 102.85 રૂપિયા પ્રતિ લીટર થશે, જ્યારે ડીઝલની કિંમત 3.02 રૂપિયા વધીને 88.93 રૂપિયા પ્રતિ લીટર થશે. આ હુકમનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવશે. બેંગલુરુમાં અત્યારે પેટ્રોલ 99.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 85.93 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
અગાઉની ભાજપ સરકારે ભાવમાં ઘટાડો કર્યો હતો
નોંધનીય છે કે છેલ્લું પુનરાવર્તન નવેમ્બર 2021 માં થયું હતું, જ્યારે અગાઉની ભાજપ રાજ્ય સરકારે કોવિડ -19 પછી અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં મદદ કરવા માટે પેટ્રોલના ભાવમાં 13.30 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 19.40 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.