કલોલઃ ખાત્રજ વિસ્તારમાં 10 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના બની છે. મૂળ ઝારખંડનો પરિવાર ખાત્રજમાં રહીને ફેક્ટરીઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. ત્યારે પીડિતાના ઘરે અવારનવાર આવતા 42 વર્ષના આધેડે 30 એપ્રિલના રોજ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. નરાધમની કરતૂત સામે આવી જતાં તેણે લાજવાની જગ્યાએ બાળકીની સારવાર કરાવવાની વાતો કરી હતી. બદનામીના ડરે ચૂપ રહેલાં પરિવારે આખરે સમગ્ર મુદ્દે ઘટનાના 20 દિવસ પછી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બાળકીનો પરીવાર 7 મહિનાથી છત્રાલમાં રહે છે
મૂળ ઝરખંડનું દંપતી છત્રાલમાં પાંચ સંતાનો સાથે રહે છે. સાતેક મહિના પહેલાં જ આવેલા પરિવારમાં માતા અને સૌથી દીકરી અને પિતા ફેક્ટરીમાં કામ કરે છે. સવારે સાડા સાતા વાગ્યે જતા પરિવારના સભ્યો સાંજે છ વાગ્યે પરત ફરે છે. ત્યાં સુધી 10 વર્ષની બાળકી નાના એક ભાઈને અને બે બહેનોને સાચવે છે.
દુષ્કર્મ બાદ બાળકીને મારી નાખવાની ધમકી આપી
પરિવારના પાડોશમાં તેઓના ગામનો પરિવાર રહે છે, જ્યાં દિલીપ નારાયણ મંડલ અવારનવાર આવતો હતો. જેને પગલે પીડિતા સહિતના પરિવારનો સભ્યો તેને ઓળખતા હતા. 30 એપ્રિલના રોજ દિલીપ મંડલ બપોરના સમયે તેઓના ઘરે આવ્યો હતો. જેમાં તેણે રૂમ અંદરથી બંધ કરીને 10 વર્ષની બાળકીનું મોંઢુ દબાવીને દુષ્કર્મ ગુજાર્યું હતું. કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી દિલીપ જતો રહ્યો હતો.
માતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી
બાળકીએ સાંજે આવેલી માતાને બધી હકીકત જણાવી હતી. જેને પગલે પરિવાર પાડોશમાં રહેતાં પરિવારને જાણ કરતાં તેઓએ દિલીપ મંડલને વાત કરી હતી. જો કે નરાધમે બાળકની સારવાર કરાવવાની વાતો કરી હતી. આ બધા વચ્ચે પરિવાર બદનામીના ડરે ચૂપ રહ્યો હતો. બાળકીને અવારનવાર પેટમાં દુખાવો થતાં આખરે સમગ્ર મુદ્દે પીડિતાના માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે કલોલ પોલીસે આરોપી દિપીલ મંડલની ધરપકડ કરી હતી. 42 વર્ષીય દિપીલ મંડલના પરિવારમાં ત્રણ સંતાનો છે. જેને પોલીસે તેના ઘરેથી જ ઝડપી પાડ્યો હતો.