જુનિયર ક્લાર્ક પેપરલીકમાં 16 આરોપીની બેન્ક ડિટેઇલ્સના આધારે તપાસ શરૂ થશે. જેમાં આરોપીઓ કોના કોના સંપર્કમાં છે તે શોધવા મોબાઇલના CDR કઢાવાશે. તથા મોબાઇલ ચેક કરતા 15 લોકોએ પેપર ખરીદવાની તૈયારી દર્શાવી હોવાનું ખૂલ્યું છે. તેમજ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક મામલે ATS દ્વારા 16 આરોપીને ઝડપી પાડયા છે.
એટીએસની ટીમ આ તમામ લોકોને બોલાવીને પૂછપરછ કરશે
જુનિયર કલાર્કની પરીક્ષા પેપરલીક મામલે એટીએસ દ્વારા 16 આરોપીની ધરપકડ કરી 11 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બાદમાં કેતન બારોટ અને ભાસ્કર ચૌધરીના ઘરે તેમજ ઓફિસ ખાતે એટીએસ અને સ્થાનિક પોલીસ દ્વારા દરોડો પાડયો હતો. પેપર લીકને લગતા ડોક્યુમેન્ટ, મોબાઇલ, લેપટોપ, બેંક એકાઉન્ટની ડિટેઇલ સહિતની વસ્તુઓ પોલીસે કબ્જે કરી હતી. 16 આરોપીઓની બેંક ડિટેઇલ્સ મંગાવવા માટે એટીએસની ટીમ દ્વારા બેંકને લેટર લખાયો છે. લેપટોપ અને મોબાઇલમાં તપાસ કરતા 15થી વધુ લોકો પેપર લેવા માટે તૈયારી દર્શાવી હોવાનું લિસ્ટ પણ મળ્યું છે. આથી એટીએસની ટીમ આ તમામ લોકોને બોલાવીને પૂછપરછ કરશે.
16 શખ્સોના મોબાઇલના સીડીઆર કાઢ્યા
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક મામલે ATS દ્વારા 16 આરોપીને ઝડપી પાડયા છે. આ ઉપરાંત, 16 આરોપીના ઘરે તેમજ ઓફિસ ખાતે એટીએસ અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા સર્ચ કરીને તમામ ડોક્યુમેન્ટ, બેંક એકાઉન્ટની વિગત, લેપટોપ સહિત વસ્તુઓ કબ્જે કરવાનું શરૂ કરી છે. 16 શખ્સોના મોબાઇલના સીડીઆર છેલ્લા 6 મહિનાના કઢાવીને કોણે સાથે કેટલી વખત વાતચીત કરી તેના આધારે પણ એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.