કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જામનગરમાં સરપંચ પતિ અને ઉપસરપંચ લાંચ લેતા ઝડપાયા

Text To Speech
  • એસીબીની ટીમે રૂ.60 હજાર લેતા રંગેહાથ ઝડપી લીધા
  • મનસુખ ચાવડા અને રામજીભાઈ કણઝારીયાની કરી ધરપકડ
  • માટીના કામ માટે કોન્ટ્રાક્ટર પાસેથી માંગી હતી લાંચ

જામનગરની લાંચરૂશ્વત શાખા દ્વારા શનિવારે વર્લ્ડ એન્ટી કરપ્શન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. અને તેની સાથે જ લાંચ નું છટકું પણ ગોઠવવામાં આવ્યું હતું, અને શેખપાટ ગામના મહિલા સરપંચના પતિદેવ તથા ઉપ-સરપંચને એક કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.૬૦,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારતાં રંગે હાથ ઝડપી લીધા હતા. લાલ બંગલા સર્કલમાં લાંચ લેવા અંગેનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને બંનેની અટકાયત કરી લેવાઇ છે.

30-30 હજારની માંગી હતી લાંચ

મળતી માહિતી મુજબ, શેખપાટ ગામના મહિલા સરપંચના પતિદેવ મનસુખ નાથા ચાવડા કે જેઓ શેખપાટ ગામના હાલ સભ્ય છે, તે ઉપરાંત ઉપ સરપંચ રામજીભાઈ કણઝારીયા કે જેઓએ ગામમાં જ એક કોન્ટ્રાક્ટરને માટીકામ કરવા દેવા માટે લાંચની માંગણી કરી હતી. ‘અમારા ગામમાં કામ કરવું હોય તો તમારે પૈસા તો આપવા જ પડશે’ તેમ કહીને કોન્ટ્રાક્ટર પાસેથી બંને એ 30-30 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા

આ કોન્ટ્રાક્ટર તે રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ જામનગર ની એ.સી.બી. શાખાનો સંપર્ક સાધ્યો હતો, અને જામનગરના લાલ બંગલા સર્કલમાં નવમી ડિસેમ્બરના મોડી સાંજે લાંચની રકમ આપવા માટેનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે મુજબ જામનગર એ.સી.બી. ની ટિમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી, અને ફરિયાદી કોન્ટ્રાક્ટર પાસેથી મહિલા સરપંચના પતિ અને ઉપ-સરપંચ રૂપિયા ત્રીસ-ત્રીસ હજાર ની લાંચની રકમ સ્વીકારવા માટે આવતાં એ.સી.બી. ની ટીમેં બંનેને રંગે હાથ ઝડપી લીધા હતા. તેઓને જામનગર એ.સી.બી.ની કચેરીમાં લઈ જવામાં આવ્યા છે અને તેઓ સામે લાંચ રૂશ્વત ધારા હેઠળ કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.

Back to top button