વિધાનસભાની ચૂંટણીના જાહેરાત પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે છે ત્યારે આજે અંતિમ દિવસે જામકંડોરણામાં સભા સંબોધી. આ દરમિયાન ગુજરાતના વિકાસની વાતો સાથે કોંગ્રેસ પર આડકતરી રીતે ઘણાં પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસની સાથે આપ પર પણ ગુજરાતની જનતાને ચૂંટણીમાં સાવધાન રહેવા જણાવ્યું હતું.
‘હું દિલ્હી બેઠો છું એટલે મને વધારે દૂરનું દેખાય છે’
PM મોદી બોલ્યા, તમને ચેતવવાની મારી જવાબદારી છે. હું દિલ્હી બેઠો છું એટલે મને વધારે દૂરનું દેખાય છે. દિલ્હીમાંથી ગુજરાત માટે કેવા કેવા ખેલ ચાલે છે તેની પણ મને ખબર પડે છે. જે લોકોને ગુજરાતે નકારી દીધા. ભૂતકાળની ચૂંટણી તમે જોઈ હશે. તે લોકો ગુજરાતના હિતોની વિરુદ્ધમાં એડીચોટીનું જોર લગાવતા રહ્યા છે. પાછલા 20 વર્ષ મને પણ હેરાન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. ગુજરાતને પણ બદનામ કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. પરંતુ સોનાની જેમ તપીને સ્વર્ણની જેમ ગુજરાત આજે બહાર નીકળ્યું છે.
કોંગ્રેસ પર ફરી કર્યો પ્રહાર
તેમણે કહ્યું, વોટ માટે કેવા કેવા ખેલ ચાલતા હતા તેની કોઈ સીમા નહોતી. એમના બધા ખેલ નકામા ગયા. બધી ચૂંટણીમાં મારા માટે એવા શબ્દો વપરાય. કશુ બાકી ન રાખ્યું હોય. ગુજરાત દાંત ભીડી કચકચાવીને જવાબ આપે તોય સુધરતા નહોતા. આ વખતે તેમણે નવી ચાલ શરૂ કરી છે. આ વખતે કોંગ્રેસ કોઈ સભાઓ નથી કરતી, કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરતી અને કરે તોય મોદી પર હુમલો નથી કરતી, અપશબ્દોનો ઉપયોગ નથી કરતી. એણે એક નવી ચાલાકી કરી છે, બોલવું નહીં, હોબાળા કરવા નહીં અને ચૂપચાપ ખાટલા બેઠક કરવી, ગામડે ગામડે પોતાના લોકોને પહોંચાડી દેવા. તેમણે હવે હોબાળો કરવાનો કોન્ટ્રાક્ટ છે અને ગાળો ભાંડવાનો કોન્ટ્રાક્ટ છે એ એમણે બીજાને સોંપી દીધો છે અને ગામડામાં જઈને બેઠકોનું કામ શરૂ કર્યું છે. તેમની ચાલાકીએ સમજજો.
આ પણ વાંચો : રોકેટની જેમ હવામાં ઉડ્યા ગેસ સિલિન્ડર !
ગોપાલ ઈટાલિયા પર આડકતરો પ્રહાર
નોંધનીય છે કે, ગઈકાલે જ આણંદમાં પણ વડાપ્રધાને કોંગ્રેસ ગામડે ગામડે જઈને ખાટલા બેઠક કરતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને ભાજપના કાર્યકરોને ચૂંટણીમાં તેમનાથી સાવચેત રહેવા કહ્યું હતું. ત્યારે આજે ફરીથી તેમણે કોંગ્રેસનું નામ લઈને પ્રહાર કર્યા છે. બીજી તરફ ગઈકાલે જ AAPના ગોપાલ ઇટાલિયાનો PM મોદી માટે અપશબ્દો બોલતો વીડિયો વાઈરલ થયો હતો, ત્યારે આડકતરી રીતે તેનો પણ જવાબ આપ્યો હોય તેમ લાગી રહ્યું છે.