જેલમાં કેદીને લાગી નશાની તલબ, ડ્રાઈવર કાકડીઓમાં ગાંજો ભરીને પહોંચ્યો
- પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી 11 કાકડીઓ મળી આવી હતી
- કાકડીઓને કાપીને તેની અંદર પોલીથીનમાં ગાંજો ભરાયો હતો
- ડ્રાઈવરે જણાવ્યું કે તે જેલની અંદર ગાંજો લઈ જવા માંગતો હતો.માટે આ યુક્તિ અપનાવી હતી
વારાણસી: ઉત્તર પ્રદેશની વારાણસી જિલ્લા જેલમાં (Varanasi District Jail) એક વિચિત્ર કિસ્સો બન્યો છે. વારાણસીની જિલ્લા જેલમાં બંધ મનોજ નામનો કેદી ગાંજાના નશાની તલબને કારણે બેચેન બની ગયો હતો. આ માટે તેણે પોતાના ડ્રાઇવરને તેની વ્યવસ્થા કરવાનું કહ્યું. ડ્રાઇવર ગોવિંદાએ કાકડી મારફતે જિલ્લા જેલમાં ગાંજો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેણે યુક્તિ વાપરી હતી. તેણે કાકડી કાપીને એક કોથળીમાં ગાંજો (Ganjo) ભર્યા બાદ કાકડીને જોડી દીધી હતી. ત્યારબાદ તેને બેગમાં ભરીને જિલ્લા જેલમાં લઈ ગયો હતો.
જો કે મનોજ (Manoj) સાથે મુલાકાત પહેલા જ તેની તપાસ કરતા જેલ પોલીસને તેની પાસે ગાંજો મળી આવ્યો હતો. જેલ પોલીસની સૂચના પર લાલપુર પાંડેપુર પોલીસ સ્ટેશને ગાંજા લાવનાર ડ્રાઇવર ગોવિંદાની ધરપકડ કરી છે. જિલ્લા જેલમાં બંધ કેદી અને તેના ડ્રાઈવર વિરુદ્ધ લાલપુર પાંડેપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
11 કાકડીઓ સાથે જેલમાં પહોંચ્યો
મનોજનો ડ્રાઈવર ગોવિંદા (Driver Govinda) ચંદૌલી જિલ્લાના મુઝફ્ફરપુરનો રહેવાસી છે. તે વારાણસી જિલ્લા જેલમાં બંધ મનોજને મળવા પહોંચ્યો હતો. તે મનોજ માટે 11 કાકડી લાવ્યો હતો. મુલાકાત પહેલા જિલ્લા જેલ પોલીસ અને આઉટપોસ્ટ ઈન્ચાર્જ જિલ્લા જેલ ઈમરાન ખાનની સંયુક્ત ટીમે ગોવિંદાના સામાનની તપાસ કરી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેની પાસે રહેલી તમામ કાકડીઓને કાપીને તેમાં પારદર્શક કોથળીમાં ગાંજો ભરેલો હતો.
ડ્રાઈવર સહિત કેદી સામે કેસ નોંધવામાં આવ્યો
ગોવિંદાની સ્થળ પરથી ધરપકડ કરીને લાલપુર પાંડેપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. લાલપુર પાંડેપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મનોજ કુમારે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા ગોવિંદાની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેણે કહ્યું છે કે તે મનોજના કહેવા પર જ તેના માટે ગાંજો લાવ્યો હતો. ગોવિંદાની સાથે મનોજ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. ગોવિંદાને કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલવામાં આવશે.
આ પણ વાંચો, સુપ્રીમ કોર્ટ પરિસરમાં વિકલાંગ લોકો દ્વારા સંચાલિત પ્રથમ કાફે શરુ