હોળીમાં હવે લાકડાં નહીં પણ ગૌ-કાસ્ટની બોલબાલા
ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે હોલિકાદહનનો ઉત્સવ અમદાવાદ સહિત સમગ્ર ભારતમાં હર્ષોલ્લાસપૂર્વક અને ઉમંગભેર ઊજવાશે. હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સોસાયટીઓ સહિત તમામ સ્થળે હોલિકાદહનની તૈયારીઓ પુરજોશમાં શરૂ થઇ ચૂકી છે. જોકે પર્યાવરણલક્ષી એવી વૈદિક હોળી ઊજવવા માટેના ટ્રેન્ડમાં કોરોના પછી વધારો થયો છે. શહેરમાં ગાયના છાણમાંથી બનતાં ગૌ-કાષ્ટની માંગ અને બોલબાલા વધી છે.
દર વર્ષે હોળીના પર્વમાં લાકડાં બાળવામાં આવે છે, જોકે છેલ્લા એકાદ-બે વર્ષથી પર્યાવરણને પ્રદૂષણમુક્ત રાખવા માટે ગાયના ગોબરમાંથી બનતી સ્ટિક વધુ ને વધુ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ વર્ષે શહેરમાં ૧૦૦થી ૧૧૦ ટન જેટલી ગોબર સ્ટિક બનાવવામાં આવી છે. લોકો ગોબર સ્ટિક તરફ વળે તે માટે આ વર્ષે સોશિયલ મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ લોકોને જાગૃત કરવા માટે થઇ રહ્યો છે.
ગાયનાં છાણાંનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી છાણ અને વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી ગૌ-કાષ્ટ બનાવવામાં આવે છે. લોકો લાકડાના બદલે ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરી શકે અને હજારો વૃક્ષોને કપાતાં બચાવી શકાય એ હેતુથી ફરી વખત વૈદિક હોળીનો વ્યાપ વધી રહ્યો છે. ગૌ-કાષ્ટની કિંમત અંદાજે રૂ. ૧પ પ્રતિકિલો છે.
વૈદિક હોળીની પણ બોલબાલા
બદલાતા સમય સાથે હોળીની ઉજવણીની પદ્ધતિમાં પણ પરિવર્તન આવ્યું છે. લોકોમાં વૈદિક હોળી પ્રગટાવવાનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હોળીમાં લાકડાંના બદલે ગૌકાષ્ઠ, છાણાં, કપૂર, હવન સામગ્રી અને ગાયના ઘીના ઉપયોગથી વૈદિક હોળી પ્રગટાવવાથી વાતાવરણમાં પોઝિટિવ એનર્જીની સાથે પ્રદૂષણ અને મચ્છરના ઉપદ્રવ ઉપર અંકુશ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વૈદિક હોળી પ્રગટાવવા માટેનું આયોજન પણ લોકો તમને કરી આપે છે. વૈદિક હોળી એક બિઝનેસ સમાન પણ બની ચુકી છે. સોશિયલ મીડિયા પર રોજેરોજ જોવા મળી રહ્યુ છે કે 5000થી 6000 રૂપિયામાં તમારી સોસાયટીમાં આવીને તમને વૈદિક હોળી પ્રગટાવી આપવામાં આવશે.
આ પણ વાંચોઃ સાબરકાંઠા : મોડાસામાં ઉજવાશે “વૈદિક હોળી”