હિમાચલમાં ત્રણ અપક્ષ સહિત કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યો BJPમાં જોડાયા
શિમલા (હિમાચલ પ્રદેશ), 23 માર્ચ: રાજ્યસભાની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ માટે ગેરલાયક ઠેરવાયેલા હિમાચલ પ્રદેશના કોંગ્રેસના છ ધારાસભ્યો સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. આ ધારાસભ્યોમાં કોંગ્રેસના સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજેન્દ્ર સિંહ રાણા, ચૈતન્ય શર્મા, દેવેન્દ્ર ભુટ્ટો, ઈન્દર દત્ત લખનપાલનો સમાવેશ થાય છે. આ સિવાય હિમાચલ પ્રદેશના ત્રણ અપક્ષ ધારાસભ્યો હોશિયાર સિંહ, કેએલ ઠાકુર અને આશિષ શર્મા પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
#WATCH | Six rebel MLAs of Himachal Pradesh- Sudhir Sharma, Ravi Thakur, Inder Dutt Lakhanpal, Devendra Bhutto, Rajendra Rana, and Chaitanya Sharma, join BJP in the presence of Himachal Pradesh BJP President Rajiv Bindal and Union Minister Anurag Thakur. pic.twitter.com/IftAl6U1T5
— ANI (@ANI) March 23, 2024
કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યોને હિમાચલ પ્રદેશમાં પાર્ટીના વ્હીપનો અનાદર કરવા બદલ 29 ફેબ્રુઆરીએ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જો કે, ચૂંટણી પંચે તેમના મતવિસ્તારો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે.
ત્રણ અપક્ષ ઉમેદવારોએ પણ ભાજપનો હાથ પકડ્યો
બીજી તરફ, હિમાચલમાં ત્રણ અપક્ષ ઉમેદવારો પણ ભાજપમાં સામેલ થયા છે. મહત્ત્વનું છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કરનારા ત્રણ અપક્ષ ધારાસભ્યોએ શુક્રવારે વિધાનસભા સચિવને તેમના રાજીનામા સુપરત કર્યા હતા. આ ધારાસભ્યોમાં આશિષ શર્મા, હોશિયાર સિંહ અને કેએલ ઠાકુરનો સમાવેશ થાય છે. ત્રણેય શુક્રવારે શિમલામાં વિપક્ષના નેતા જયરામ ઠાકુરને મળ્યા હતા અને પછી તેમના રાજીનામા સુપરત કર્યા હતા.
સુક્ખુ સરકારમાં ભંગાણ પડ્યું હતું
આ નવ ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ કરતા ગયા મહિને મુખ્ય મંત્રી સુખવિંદર સિંહ સુક્ખુના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકાર મુશ્કેલીમાં આવી હતી. જો કે, સુક્ખુની સરકારને અત્યારે કોઈ ખતરો દેખાતો નથી પરંતુ ભાજપ પેટાચૂંટણીમાં જીત મેળવીને તેમની સરકારને તોડી પાડવાની યોજના બનાવી રહી છે. પેટાચૂંટણીમાં ભાજપની જીતથી સત્તાધારી પક્ષની છાવણીમાં ધારાસભ્યોની સંખ્યા ઘટી શકે છે. કોંગ્રેસના છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા બાદ 62 સભ્યોની હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા 39થી ઘટીને 33 થઈ ગઈ છે. વિધાનસભામાં મૂળ 68 સભ્યો છે. ભાજપના 25 ધારાસભ્યો છે.
આ પણ વાંચો: હિમાચલના 3 અપક્ષ ધારાસભ્યોએ આપ્યું રાજીનામું, રાજ્યમાં હવે હવે 9 બેઠકો પર થશે પેટાચૂંટણી