ટોપ ન્યૂઝનેશનલ

હિમાચલમાં પક્ષ પલટો કરતા MLAને નહીં મળે આ લાભ, સરકારે લીધો મોટો નિર્ણય

સિમલા, 4 સપ્ટેમ્બર : હવે હિમાચલ પ્રદેશમાં ધારાસભ્યો માટે પાર્ટી બદલવાનો નિર્ણય લેવો આસાન નહીં હોય. વિધાનસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવાયેલા ધારાસભ્યોનું પેન્શન રોકવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ વર્ષે કોંગ્રેસ સામે બળવો કરનારા છ ધારાસભ્યો પણ આ બિલના દાયરામાં આવશે, જેમણે સુખુ સરકાર સામે મોરચો ખોલ્યો હતો અને પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા.

મુખ્ય પ્રધાન સુખવિન્દર સિંહ સુખુએ મંગળવારે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં સભ્યોના ભથ્થાં અને પેન્શન સંશોધન બિલ 2024 રજૂ કર્યું હતું. હવે આ બિલ પર ચર્ચા કરીને પસાર કરવામાં આવશે. જે બાદ તેને રાજ્યપાલને મંજૂરી માટે મોકલવામાં આવશે. જો રાજ્યપાલની મંજૂરી મળશે તો તે કાયદો બની જશે. 68 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના 40 ધારાસભ્યો છે. ભાજપના 28 ધારાસભ્યો છે.

નવા બિલ મુજબ, જો કોઈ વ્યક્તિને બંધારણની દસમી અનુસૂચિ (વિરોધી કાયદો) હેઠળ કોઈપણ સમયે અયોગ્ય જાહેર કરવામાં આવે છે, તો તે કાયદા હેઠળ પેન્શન મેળવવા માટે હકદાર રહેશે નહીં.

આ પણ જૂઓ: પાયલોટ પ્લેનની બારીમાંથી ડોકાચિયું કાઢી કાચ સાફ કરવા લાગ્યો, વીડિયો થયો વાયરલ

સરકારે શું દલીલ આપી?

સરકારે બિલમાં સુધારો કરવાના હેતુ અને કારણોનો પણ ઉલ્લેખ કર્યો છે. પ્રસ્તાવિત સુધારામાં કહેવામાં આવ્યું છે કે બિલની જરૂર હતી કારણ કે 1971ના કાયદામાં સભ્યોના પક્ષપલટાને નિરુત્સાહિત કરવા, તેમને બંધારણીય પાપો કરતા અટકાવવા, લોકો દ્વારા આપવામાં આવેલા આદેશનું રક્ષણ કરવા અને લોકતાંત્રિક મૂલ્યોની જાળવણી માટે કોઈ જોગવાઈ નથી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં, 2024-25 માટે બજેટ પસાર કરવા અને કટ મોશન પર ચર્ચા દરમિયાન ગૃહમાંથી ગેરહાજર રહીને પાર્ટી વ્હીપનું ઉલ્લંઘન કરવા બદલ 6 સભ્યોને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજીન્દર રાણા, ઈન્દર દત્ત લખનપાલ, ચેતન્ય શર્મા અને દેવિન્દર કુમારના નામ સામેલ છે.

બાદમાં જ્યારે પેટાચૂંટણી યોજાઈ ત્યારે સુધીર શર્મા અને ઈન્દર દત્ત લખનપાલ જીતીને ગૃહમાં પાછા ફર્યા હતા. જોકે અન્ય ચાર સભ્યો પેટાચૂંટણી હારી ગયા હતા. આ સિવાય કોંગ્રેસના આ છ બળવાખોર ધારાસભ્યોએ 27 ફેબ્રુઆરીએ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનની તરફેણમાં મતદાન કર્યું હતું અને પાર્ટી વ્હીપનું ઉલ્લંઘન કર્યું હતું. જો નવું બિલ મંજૂર થશે તો આ બળવાખોર ધારાસભ્યો પણ સુધારેલા કાયદાના દાયરામાં આવશે.

Back to top button