ગ્વાલિયરમાં સીએમ શિવરાજ સિંહે કહ્યું, ‘કમલનાથ અને કોંગ્રેસનો અર્થ ભ્રષ્ટાચાર’
- મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં CM શિવરાજ સિંહ
- પ્રચાર દરમિયાન CMએ વિપક્ષ પાર્ટી કોંગ્રેસ પર અનેક પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, ‘કમલનાથ અને કોંગ્રેસનો અર્થ ભ્રષ્ટાચાર છે.’
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં ચૂંટણીનો (MP assembly elections) જંગ જામ્યો છે. હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj sinh chauhan) ગ્વાલિયરમાં બીજેપી ઉમેદવાર માયા સિંહના સમર્થનમાં રેલી કરી હતી. આ રેલીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે આ વખતે મધ્યપ્રદેશમાં ભાજપ 200થી વધુ સીટો જીતશે. તેમણે કહ્યું કે અમારી જીત રેકોર્ડબ્રેક હશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં બેઠેલા લોકોને આ વખતે કાંટાની ટક્કર લાગી રહી છે, પરંતુ એવું કંઈ જ નથી. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાને એમ પણ કહ્યું કે કોંગ્રેસ અને કમલનાથ એટલે ભ્રષ્ટાચાર.
પત્રકારો દ્વારા પુછાયેલા એક પ્રશ્ન ‘શું લાડલી લક્ષ્મી યોજના’ રેવડી નથી? તેના જવાબમાં સીએમ શિવરાજે કહ્યું કે આ રેવડી નથી, પરંતુ અડધી વસ્તીને સંપૂર્ણ ન્યાય છે. શું બહેનો પોતાની નાની-નાની જરૂરિયાતો પૂરી કરવા માટે બીજાઓ તરફ હાથ લંબાવતી રહેશે? શું સંપત્તિ પર મહિલાઓનો અધિકાર નથી? તેમણે કહ્યું કે મેં લાડલી લક્ષ્મી યોજના હેઠળ યાત્રા કરી હતી. તો પછી અમે લગ્નની યોજના બનાવી. આ તમામ યોજનાઓ તેમનો અધિકાર છે.
ભવગવાન રામના અસ્તિત્વ પર સવાલ કરનાર આજે રામ નામની શાલ પહેરવા લાગ્યા : સીએમ શિવરાજ
સીએમ શિવરાજે કહ્યું કે ધર્મને મેં ક્યારેય ચૂંટણીનો મુદ્દો બનાવ્યો નથી. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જે લોકો ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવતા હતા તેઓ આજે રામ નામની શાલ પહેરવા લાગ્યા છે. હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા છે.
કોંગ્રેસ વિશ્વની સૌથી મોટી કૌભાંડી પાર્ટી : સીએમ શિવરાજ
નીતિશ વિશે શિવરાજ સિંહે કહ્યું કે બિહારના સીએમ દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીથી તેઓ દુખી છે. હું સોનિયા ગાંધીને પૂછવા માંગુ છું કે શું તેઓ પણ નીતિશ કુમાર જેવા જ વિચારો ધરાવે છે. જો એવું નથી, તો નીતિશને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાંથી હાંકી કાઢો. તેમણે કહ્યું કે કોંગ્રેસ વિશ્વની સૌથી મોટી કૌભાંડી પાર્ટી છે. કોંગ્રેસ જ્યારે દોઢ વર્ષ સુધી સત્તામાં આવી ત્યારે તેમણે બલ્લભ ભવનને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને કમલનાથ એટલે ભ્રષ્ટાચાર.
આ પણ વાંચો: રાજસ્થાનમાં ભાજપના ઉમેદવારને MLAનું ફૂલફોર્મ ખબર નથી, જૂઓ વીડિયો