ગુજરાતમાં આપણે વિપક્ષમાં નથી બેસવાનું, ભાજપથી નારાજ લોકો અમને મત આપે: કેજરીવાલ
દિલ્હી બાદ પંજાબમાં સત્તા મેળવનાર આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાત પર છે. ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા ગઢ એવા ગુજરાતમાં કેજરીવાલ ઝાડું ફેરવવાના ફિરાકમાં છે. હાલ કેજરીવાલ ગુજરાતમાં આપનુ સંગઠન મજબૂત કરવામાં લાગી ગયા છે. તો બીજી તરફ, તેઓ ભાજપ વિરોધી વોટર્સને એકજૂટ કરીને પોતાની તરફ આકર્ષવાના પ્રયાસ કરી રહ્યાં છે.
આજે અરવિંદ કેજરીવાલ વૈષ્ણોદેવી સર્કલ પાસે ગુજરાતમાં વીજળી મુદ્દે લોકો સાથે સંવાદ કરશે. ગુજરાતમાં ફ્રી વીજળી મુદ્દે છેલ્લા એક મહિનાથી આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આવેદનપત્ર અને મસાલ રેલી યોજી અને લોકોને વીજળી મુદ્દે જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્યમાં ફ્રી વીજળી મુદ્દે કોઈ જાહેરાત કરી શકે તેવી પૂરી શક્યતા જણાઈ રહી છે.
આપણે વિપક્ષમાં નથી બેસવાનું: કેજરીવાલ
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે અમદાવાદમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યુ હતું કે, આપણે સત્તા હાંસિલ કરવા માટે કડક મહેનત કરવી પડશે. આપણે વિપક્ષમાં નથી બેસવાનું. દિલ્હીના મુખ્યમંત્રીએ રવિવારે 6988 પદાધિકારીઓને ઈનામદારીથી લોકોની સેવા કરવાના શપથ લેવડાવ્યા હતા.
ભાજપ વિરોધી વોટ ખેંચવાનો પ્રયાસ
બે દિવસીય ગુજરાત પ્રવાસ પર પહોંચેલા કેજરીવાલે લોકોને અપીલ કરી કે, તેઓ ગુજરાતમાં આગામી વિધાનસભામાં AAPને વોટ આપે. કોંગ્રેસને મત આપીને તમારો વોટ બેકાર ન બનાવે. તેમણે કહ્યુ કે, જો ભાજપથી નારાજ એ લોકોના મત તેમને મળી જાય, જેઓ કોંગ્રેસને વોટ આપવા માંગતા નથી, તો ગુજરાતમાં આપની સરકાર બની શકે છે. આપ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં જોરશોરથી જોડાઈ ગયુ છે.
કેજરીવાલના પ્લાન અને પ્રચારથી કોંગ્રેસને નુકસાન
કેજરીવાલે કહ્યું કે, આપ કાર્યકર્તાઓએ એ લોકોનુ સમર્થન પાર્ટીમાં હાંસિલ કરવુ જોઈએ, જેઓ ભાજપના શાસનથી નારાજ છે. પરંતુ કોંગ્રેસને મત ન આપવા જોઈએ. ગત વખતે લોકોએ ભારે આશા સાથે કોંગ્રેસને મત આપ્યા હતા, પરંતુ હવે ગુજરાતમાં અત્યાર સુધી 57 ધારાસભ્યો પાર્ટી છોડી ચૂક્યા છે.
રાજકીય જાણકારોના અનુસાર, ભાજપની વિરુદ્ધ એન્ટી ઈન્કમબન્સીની વાતો દરેક ચૂંટણીમાં થાય છે, પરંતુ ભગવા દળના મૂળ અહી બહુ જ ઊંડા છે. કેજરીવાલ ભાજપ વિરોધી વોટ પર ફોકસ કરી રહ્યું છે. જે લોકો ભાજપથી નારાજ છે, તેમના વોટ મળવાની કેજરીવાલને આશા છે. જે અત્યાર સુધી કોંગ્રેસને મળતા હતા. આવામાં કેજરીવાલનો આ પ્લાન અને પ્રચાર કોંગ્રેસને વધુ નુકસાન પહોંચાડી શકે છે. કોંગ્રેસ માટે હાલ વળતા પાણી ચાલી રહ્યાં છે. તેમાં પણ કેજરીવાલનો ગુજરાતમાં પ્રચાર તેના વોટબેંકને નુકસાની પહોંચાડી શકે છે.
દિલ્હી, પંજાબના કામોનું ગુજરાતમાં માર્કેટિંગ
કેજરીવાલ હાલ પોતાના પ્રચારમા દિલ્હી અને પંજાબની કામગીરીનુ માર્કેટિંગ કરી રહ્યાં છે. ગુજરાતથી દિલ્હી ગયેલુ ભાજપનું પ્રતિનિધિમંડળ ત્યાંની શાળાઓ અને હોસ્પિટલમાં એક પણ ખામી શોધવામાં અસફળ રહ્યુ છે. તેથી જ હવે કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓને દિલ્હી અને પંજાબના મોડલ પર માર્કેટિંગ કરવાની સૂચના આપી છે.