ગુજરાતમાં સંગઠન નક્કી કરે તેનો જ દારૂ વેંચાઈ, જાણો કોને આપ્યું ચોંકાવનારું નિવેદન?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર આજે મોરબી આવ્યા હતા અને સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને સ્થાનિક ધારાસભ્યો સહિતના લોકો સાથે બેઠક કરી હતી અને આગામી સમયમાં સરકાર જે મુદ્દા ઉપર ફેલ છે તેને લઈને લોકોને જાગૃત કરવા અને આંદોલન કરવામાં આવશે તેની માહિતી આપવામાં આવી હતી.
પોલીસ અને રાજકીય નેતાઓ 30-30 ટકા, બુટલેગર 40 ટકાના ભાગીદાર
પત્રકારોને માહિતી આપતા જગદીશ ઠાકોરે બોટાદ અને બરવાળાના લઠ્ઠા કાંડને ટાંકીને કહ્યું હતું કે આ વર્તમાન સમયમાં કયા જિલ્લાની અંદર કયો બુટલેગર દારૂનો ધંધો કરશે તે સંગઠન દ્વારા નક્કી કરવામાં આવે છે અને દારૂના સમગ્ર નેટવર્કની અંદર પોલીસ 30 ટકા, રાજકીય નેતાઓ 30 ટકા અને બુટલેગર 40 ટકાના ભાગીદાર છે આમ સમગ્ર ગુજરાતની અંદર નશાનું નેટવર્ક ચાલી રહ્યું છે.
કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા રેડ કરે તો ઊંધા કેસમાં ફિટ કરી દેવામાં આવે
વધુમાં જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, જો કોઈ રાજકીય આગેવાન જનતા રેડ પાડે અથવા સામાજિક સંસ્થા દ્વારા રેડ કરવામાં આવે તો તેની સામે ઊંધા કેસ દાખલ કરીને તે લોકોને ફીટ કરી દેવાનું કામ હાલમાં સરકાર અને પોલીસ કરી રહી છે. ગુજરાતમાં છૂટથી દારૂ, ડ્રગ્સ, ગાંજો, અફીણ વગેરે વેચાઈ રહ્યું છે જેના પાછળ મુખ્ય કારણ જો કોઈ હોય તો તે પોલીસ અને સંગઠન છે ગુજરાતના દરેક જિલ્લાઓમાં દારૂ અથવા તો નશીલો પદાર્થ કોણ વેચાણ કરશે તે નક્કી સંગઠન દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ તે હોલસેલર પાસેથી અન્ય બુટલેગરો દ્વારા નસીલા પદાર્થ લઈને તેનું વેચાણ કરવામાં આવે છે અને આ નેટવર્કમાં પોલીસ 30 ટકા, રાજકીય આગેવાનો 30 ટકા અને બુટલેગરના 40 ટકાના ભાગીદાર છે અને તેના લીધે નશાના ખપરમાં ગુજરાતના નિર્દોષ યુવાનો સહિતના લોકો હોમાઈ રહ્યા છે.